બહેન-બનેવી દ્વારા માનસિક ત્રાસ અને મારઝૂડ કરાતી હોવાના કિશોરીના આક્ષેપ બાદ અભયમની ટીમે સમજાવટથી મામલો થાળે પાડ્યો
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક કિશોરી ગભરાયેલી અને ચિંતિત હાલતમાં એકલી બેઠી હોવાની જાણ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કિશોરી સરનામું જણાવી શકતી ન હતી અને તેની વાત પણ સ્પષ્ટ રીતે સમજાતી ન હોવાથી ટીમે કાઉન્સેલિંગ કરી વિગતો મેળવી હતી. અંતે કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
181 અભયમની કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ યુવરાજસિંહ સ્થળ પર પહોંચ્યા હતા. સૌપ્રથમ કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડી સાંત્વના આપી હતી અને ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરીને તેની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું હતું કે તે મૂળ છત્તીસગઢની રહેવાસી છે અને તેના માતા-પિતા તથા ભાઈ-બહેન ત્યાં રહે છે. છેલ્લા 15 દિવસથી તે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં બહેન અને બનેવીના પરિવાર સાથે રહેતી હતી. કિશોરીના જણાવ્યા મુજબ, બહેન-બનેવી દ્વારા નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, અપશબ્દો બોલવામાં આવતા હતા તેમજ મારઝૂડ પણ કરવામાં આવતી હતી. આથી તે કોઈને જાણ કર્યા વિના પોતાની મરજીથી ઘરેથી નીકળી ગઈ હતી.
કિશોરીને કંપનીનું નામ કે સરનામું યાદ ન હોવાથી શરૂઆતમાં પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, અભયમની ટીમે પ્રયાસો કરીને તેની માતાનો સંપર્ક નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ બનેવીનો સંપર્ક કરી જરૂરી આધાર-પુરાવાની ખરાઈ કરી હતી. ટીમ કંપની ખાતે પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે કિશોરી ઘરેથી નીકળી જતાં પરિવારજનો મોરબી, વાંકાનેર અને ટંકારામાં તેની શોધખોળ કરી રહ્યા હતા. આખરે 181ની ટીમે બહેન-બનેવીને કિશોરી સાથે મારઝૂડ ન કરવા, માનસિક ત્રાસ ન આપવા અને તેની યોગ્ય સંભાળ રાખવા અંગે સમજાવટ સાથે માર્ગદર્શન આપ્યું હતું. જરૂરી સલાહ-સૂચન આપ્યા બાદ કિશોરીને તેના બહેન-બનેવીને સોંપવામાં આવી હતી. આમ, 181 અભયમની ટીમની સમયસરની કામગીરીથી અજાણી જગ્યાએ એકલી મળી આવેલી કિશોરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.