Wednesday - Sep 30, 2026

મોરબીમાં દેશી કટ્ટો નેફામાં મૂકતા મિસફાયર, યુવાનની સાથળમાં ગોળી વાગી

મોરબીમાં દેશી કટ્ટો નેફામાં મૂકતા મિસફાયર, યુવાનની સાથળમાં ગોળી વાગી

મિત્રે સાચવવા આપેલી દેશી બંદૂક એક જીવતા કારતૂસ સાથે ઘરે સંતાડી હતી, પોલીસ પકડે તેવી બીકે કટ્ટો લઈને વિસીપરામાં ગયા બાદ બનાવ બન્યો

મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતા યુવાને પોતાના મિત્રને એક જીવતા કારતૂસ સાથે દેશી બંદૂક સાચવવા માટે આપી હતી. આ દેશી કટ્ટો મિત્રએ ઘરે સંતાડી રાખ્યો હતો. દરમિયાન પોલીસ પકડી લે તેવી બીકે દેશી બંદૂક અને કારતૂસ સાથે વિસીપરામાં મિત્ર સાથે બેસવા ગયેલા યુવાને પરત ઘરે જતી વખતે દેશી કટ્ટો પેન્ટના નેફામાં મૂકવાનો પ્રયાસ કરતાં અચાનક ફાયરિંગ થયું હતું. જેમાં દેશી બંદૂકમાંથી છરા છૂટતાં યુવાનની ડાબા સાથળમાં ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે બે શખ્સો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાએ આશિષ હેમંત આદ્રોજા, રહે. રવાપર રોડ, મોરબી અને રાજેશ ખીમજી પરમાર, રહે. વિસીપરા, મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. 28ના રાત્રિના દસેક વાગ્યે રાજેશ પરમાર પાસે રહેલી દેશી બંદૂકમાંથી સ્વયં ફાયરિંગ થતાં તેને ડાબી જાંઘમાં ઈજા થઈ હોવાની પોલીસને વર્ધી મળી હતી. જેથી ફરિયાદી પોલીસ ટીમ સાથે રાજકોટ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તનું નિવેદન લેવા પહોંચ્યા હતા.

ઇજાગ્રસ્ત રાજેશ પરમારે પોલીસને જણાવ્યા મુજબ, આશરે પંદર દિવસ પહેલાં તેનો મિત્ર આશિષ હેમંત આદ્રોજા પોતાની સાથે દેશી બંદૂક લઈને લાયન્સનગર વિસ્તારમાં સરમરીયા દાદાના મંદિર પાસે આવ્યો હતો. આશિષે રાજેશને દેશી બંદૂક આપીને ‘આ તારી પાસે રાખજે, મારે જરૂર પડશે ત્યારે તારી પાસેથી લઈ જઈશ’ તેમ કહ્યું હતું. આ દેશી બંદૂકમાં એક જીવતો કારતૂસ પણ હતો. રાજેશે દેશી બંદૂક અને કારતૂસ પોતાના ઘરે સંતાડી રાખ્યા હતા.

દરમિયાન તા. 28ના રોજ દેશી બંદૂક સાથે પોલીસ પકડી લે તેવી બીક લાગતાં રાજેશ પરમાર દેશી બંદૂક અને કારતૂસ સાથે તેના મિત્ર અરવિંદ બઘેલને લઈને વિસીપરામાં આવેલી સિટીઝન ફેક્ટરી બહારના ખુલ્લા પ્લોટમાં બેસવા ગયો હતો. ત્યાં તેણે દેશી બંદૂક કાઢીને જમીનની સાઇડમાં મૂકી હતી. રાત્રિના દસેક વાગ્યે ઘરે જવા નીકળતી વખતે જમીન પર મૂકેલો દેશી કટ્ટો ઉઠાવી પેન્ટના નેફામાં રાખવા જતાં અચાનક દેશી બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતાં છરા રાજેશને સાથળમાં વાગ્યા હતા અને લોહી નીકળવા સાથે તેને ચક્કર આવવા લાગ્યા હતા.

બનાવ બાદ રાજેશના મિત્રએ તેને બાઈક પર બેસાડી મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ક્રિશ્ના હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબે તપાસ બાદ રાજકોટ લઈ જવાની સલાહ આપતાં ઇજાગ્રસ્ત રાજેશને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં આશિષ આદ્રોજાએ ગેરકાયદેસર દેશી બંદૂક પોતાના મિત્ર રાજેશ પરમારને સાચવવા માટે આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજેશે પણ પોતાની પાસે હથિયાર રાખી પોતાની તેમજ અન્ય વ્યક્તિની સુરક્ષા જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક હથિયાર સંભાળતાં ફાયરિંગ થયું હતું. મોરબી બી ડિવિઝન પોલીસે આશિષ આદ્રોજા અને રાજેશ પરમાર વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.