રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું યાત્રાધામ; વહેલી સવારથી જ બાપાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વીરપુર (ગોંડલ):સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે કારતક સુદ સાતમના પાવન અવસરે 'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો'નો જીવનમંત્ર આપનાર સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વીરપુર ધામને રંગબેરંગી રોશની, ધજા-પતાકા, તોરણો અને કમાનોથી શણગારવામાં આવ્યું છે, જેના કારણે જલારામ બાપાની જન્મભૂમિ ભક્તિના રંગે રંગાઈ ગઈ છે.
જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ રાત્રે બરાબર ૧૨ વાગ્યે ભક્તો દ્વારા ભવ્ય આતશબાજી કરીને બાપાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. લગભગ એક કલાક સુધી અલગ-અલગ સ્થળોએ ચાલેલી આતશબાજી અને રંગબેરંગી રોશનીથી સમગ્ર વીરપુર ધામ ઝળહળી ઉઠ્યું હતું. આ અદભુત આકાશી નજારો ૫૭૦ ફૂટની ઊંચાઈએથી ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચામુંડા ચોક, અશોક ચોક અને મીનળવાવ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ભક્તોએ ઉત્સાહભેર કેક કાપીને બાપાની જન્મતિથિની ઉજવણી કરી હતી.
ભક્તિ, સેવા અને અન્નદાનના ત્રિવેણી સંગમ સમાન વીરપુરમાં વહેલી સવારથી જ ભક્તો "જય જલારામ"ના નાદ સાથે બાપાના દર્શન કરવા ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, અહીં વર્ષોથી સદાવ્રત ચાલે છે અને વર્ષોથી કોઈ રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં વીરપુર પોલીસ અધિકારીઓ સાથે ૮૮ પોલીસ જવાનો, ૧૩૪ જીઆરડી જવાનો અને ૨૫ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ, ઉજવણી દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલની ટીમ પણ સતત કાર્યરત છે.