Monday - Nov 16, 2026

અમારા લોહીમાં છે માનવતા : મોરબીમાં પિતાએ 117 અને પુત્રએ 65 વખત કર્યું રક્તદાન

અમારા લોહીમાં છે માનવતા : મોરબીમાં પિતાએ 117 અને પુત્રએ 65 વખત કર્યું રક્તદાન

રવિ બરાસરા : રક્તદાન એ મહાદાન છે અને કોઈ જરૂરિયાતમંદ દર્દીને સમયસર લોહી મળી રહે તો તેની અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે. માનવસેવાને જીવનનો અભિન્ન હિસ્સો બનાવી ચૂકેલા મોરબીના એક પિતા-પુત્રએ રક્તદાન ક્ષેત્રે અનોખી મિસાલ કાયમ કરી છે. શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડમાં રહેતા કાંતિલાલ વૈષ્ણાણી અને તેમના પુત્ર યોગેશભાઈ વૈષ્ણાણીએ અત્યાર સુધીમાં સંયુક્ત રીતે 182 વખત રક્તદાન કર્યું છે. એટલું જ નહીં, માનવસેવાની આ ભાવનાને વધુ એક ડગલું આગળ વધારી બંનેએ દેહદાનનો પણ સંકલ્પ કર્યો છે.

કાંતિલાલ વૈષ્ણાણીએ અત્યાર સુધીમાં 117 વખત જ્યારે તેમના પુત્ર યોગેશભાઈએ 65 વખત રક્તદાન કરીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા બનવાનું ઉમદા કાર્ય કર્યું છે. પિતા-પુત્ર બંને નિયમિત દર ત્રણ મહિને રક્તદાન કરે છે અને રક્તદાનને માત્ર સેવાકાર્ય નહીં પરંતુ માનવીય ફરજ માને છે. રક્તદાનની સાથે મૃત્યુ બાદ પણ માનવજાતને ઉપયોગી થવાના ઉમદા વિચાર સાથે બંનેએ સ્વેચ્છાએ અને પરિવારની સંમતિથી દેહદાનનો સંકલ્પ કર્યો છે. જેમાં કાંતિલાલ વૈષ્ણાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ્યારે તેમના પુત્ર યોગેશભાઈએ રાજકોટ ખાતે દેહદાન માટે નોંધણી કરાવી છે. આમ, જીવતેજીવ રક્તદાન દ્વારા જિંદગીઓ બચાવવાની સાથે મૃત્યુ બાદ પણ માનવસેવામાં ઉપયોગી થવાનો સંદેશ આ પિતા-પુત્રએ આપ્યો છે.

દરેક વ્યક્તિએ રક્તદાન માટે આગળ આવવું જોઈએ : કાંતિલાલ અને યોગેશભાઈના મતે રક્તદાન મહાદાન છે. ખાસ કરીને અકસ્માત, ગંભીર બીમારી કે અન્ય ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે. જો સમાજનો દરેક સ્વસ્થ વ્યક્તિ નિયમિત રક્તદાન કરવાની ભાવના કેળવે તો ઇમરજન્સીના સમયે લોહીની અછત દૂર કરવા માટે છેલ્લી ઘડીએ દોડાદોડી કરવાની સ્થિતિ ઊભી ન થાય. રક્તદાનના આ નાના લાગતા પ્રયાસથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાય છે. આ રીતે પિતા-પુત્રનો મળીને 182 વખત રક્તદાન કરીને દેહદાનનો સંકલ્પ સમાજમાં માનવતા, સેવાભાવ અને પરોપકારની ભાવનાને પ્રેરણા આપનારો બન્યો છે. પોતાના કાર્ય થકી તેમણે સંદેશ આપ્યો છે કે માનવજીવન બચાવવા માટે સંપત્તિ નહીં, પરંતુ સેવાભાવ અને સંવેદનશીલ હૃદયની જરૂર હોય છે.

અમારા લોહીમાં છે માનવતા : મોરબીમાં પિતાએ 117 અને પુત્રએ 65 વખત કર્યું રક્તદાન
અમારા લોહીમાં છે માનવતા : મોરબીમાં પિતાએ 117 અને પુત્રએ 65 વખત કર્યું રક્તદાન