Monday - Nov 16, 2026

જશુમા અને જલારામ બાપાની અતૂટ ભક્તિ પરંપરા

જશુમા અને જલારામ બાપાની અતૂટ ભક્તિ પરંપરા

સંકલન - પરમ જોલાપરા

એક સમયે દેશમાં અરાજકતાનો યુગ શરૂ થયો હતો અને દેશ બેવડી ગુલામીમાં આવી રહ્યો હતો. લોકો કંગાળ હાલતમાં હતા અને દારૂણ ગરીબીમાં સમય પસાર કરતા હતા. ગરીબી, બેકારી, અંધશ્રદ્ધા અને વહેમમાં આખો લોક સમુદાય ફસાતો જતો હતો અને લોકો દિશા શૂન્ય બન્યા હતા. આવા કપરા સમયમાં લોકોને સાચો રાહ દેખાડનારા તો માત્ર સંતો જ હતા. "ભૂખ્યાને ભોજન આપવું અને દુઃખીને દિલાસો દેવો" એ એ સમયનો જીવન મંત્ર બની ગયો હતો. આ સંતો દ્વારા જ માનવીને સાચી રાહત મળતી હતી. 'ટુકડો ત્યાં હરિ ઢુકડો' - આ કહેવતને ચરિતાર્થ કરે તેવા સેવા મૂર્તિ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠામાં થઈ ગયા.

સેવાના આ કાર્યમાં સ્ત્રી રત્નો પણ પાછળ નહોતા. તેમણે સંસારમાં રહીને ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યું. તેઓએ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં પણ સત્યના માર્ગે ચાલીને, પુરુષ સમોવડી બનીને લોકસમુદાયની સાચી રાહબાર બની બતાવ્યું. આ વાત છે કોટડાપીઠામાં થઈ ગયેલા જશુમાની. કોટડાપીઠા એક સમયે નગરી કહેવાતી અને તે બાર ગામનો તાલુકો ગણાતો હતો, જ્યાં કોર્ટ અને કચેરી પણ કાર્યરત હતી.

જસુમાના લગ્ન કોટડાપીઠાના રહેવાસી લવજી લોહાણા સાથે થયેલા. તેમને બે દીકરા થયા, જેમાં એક દીકરા ભક્તિરામ અને બીજા દીકરા આંબા ભગત હતા. આમાંથી મોટા દીકરા ભક્તિરામના લગ્ન વીરપુરના પ્રસિદ્ધ સંત શ્રી જલારામ બાપાના દીકરી જમનાબાઈ સાથે થયેલા. ભક્તિરામને જમનાબેન થકી બે દીકરા થયા: કાળા ભગત અને રામજી ભગત. જેમાં કાળા ભગત સંત કોટીના વિરલ આત્મા હતા અને તેઓ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપા સાથે જ રહેતા હતા.

કાળા ભગતના દીકરા હરિરામ થયા. હરિરામબાપાનો જન્મ વિક્રમ સંવત 1924ના શ્રાવણ વદ 14 ને સોમવારના રોજ થયો હતો. પૂજ્ય જલારામ બાપાને હરિરામબાપા ઉપર ભારે હેત હતો, આથી જલારામ બાપાએ તેમને દત્તક લીધા હતા. હરિરામ બાપાના લગ્ન ભક્તપરાયણ એવા મોંઘીબા સાથે થયા. લગ્ન પછી થોડા જ સમયમાં પૂજ્ય જલારામ બાપા વૈકુંઠવાસ થયા, આથી વીરપુરની જગ્યાનો વહીવટ વિક્રમ સંવત 1937ના શ્રાવણ સુદ સાતમ અને સોમવારના રોજ હરિરામ બાપાએ સંભાળ્યો. આમ, વીરપુરની જગ્યાના પ્રથમ વારસદાર હરિરામબાપા થયા. આવા વિરલ આત્માનો જન્મ કોટડાપીઠા ગામે થયો તે કોટડાપીઠા માટે ગૌરવની વાત છે.

જશુમાનો જીવ સાત્વિક હતો. તેમાં પણ જ્યારે તેઓ જલારામ બાપાના વેવાણ થયા, ત્યારે તેમના ભક્તિરસમાં જાણે ભરતી આવી અને સોનામાં સુગંધ ભળી. દિવસ જતાં જશુમાનો ભક્તિભાવ વધવા લાગ્યો. સંસારમાં રહેવા છતાં 'ટુકડાથી રામ ઢૂંકડો' નું સોનેરી સૂત્ર તેમના હૈયામાં વસી ગયું હતું. જશુમાએ કોટડાપીઠામાં સદાવ્રત ચાલુ કર્યું અને ભૂખ્યા-દુખિયાને ભોજન આપવા લાગ્યા. આ જગ્યામાં સાધુ-સંતો, ગરીબો અને અભ્યાગતો આવવા લાગ્યા અને દરેકને જસુમાં ભાવથી ભોજન કરાવતા હતા. સંત પરંપરાની પ્રણાલિકા મુજબ બધાને ભોજન કરાવીને પછી જ જસુમાં પોતે જમતા હતા.

આ જગ્યા ગામના પાદરમાં આવેલી છે. જગ્યામાં અનાજ ભરવાની એક મોટી કોઠી હતી, જેમાં અનાજ ભરી રાખવામાં આવતું અને તેના મોઢા વાટે અનાજ કાઢીને દળવામાં આવતું હતું. આમ સદાવ્રત અવિરત ચાલતું રહ્યું. અંત સમયે જશુમાએ સમાધિ લીધી. જતી વખતે જશુમાએ કહેલું કે, "આ કોઠીના મોઢા વાટે જ અનાજ કાઢજો, અનાજ ક્યારેય ખૂટશે નહીં; પરંતુ ભૂલથી પણ તેની ઉપર જોવાની કોશિશ કરશો નહીં." પરંતુ મનુષ્યનો જીવ ચંચળ છે, કોઈક વ્યક્તિએ ઉપર ખોલીને જોયું તો માનો આશીર્વાદ પૂરો થયો અને અનાજ ખૂટી ગયું.

હાલમાં પણ આ કોઠી તેમજ જસુમાના ચરણ પાદુકા આ સદાવ્રત વાળી જગ્યામાં દર્શન માટે મોજૂદ છે. તેની બાજુમાં રામજી મંદિર અને શિવ મંદિર વગેરે મંદિરો પણ આવેલા છે. જશુમાનો જન્મ 1839માં થયો હતો તથા તેમનું મૃત્યુ સંવત 1923માં થયું હતું. જશુમાના મૃત્યુ પછી તેમની સમાધિ પર શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર સંવત 1930ના પોષ સુદ 2 ના રોજ તૈયાર થયું હતું, જેની માહિતી ભાવનગરના લોહાણા ગોર નરશી પ્રેમજી પાસેથી મળે છે. આ મંદિરનું ઈંડું 100 સોના મહોર આપીને ઠાકર લાંઘા હરજીએ ચડાવ્યું હતું.

સંકલન - પરમ જોલાપરા

જશુમા અને જલારામ બાપાની અતૂટ ભક્તિ પરંપરા
જશુમા અને જલારામ બાપાની અતૂટ ભક્તિ પરંપરા