Monday - Nov 16, 2026

મોરબીમાં રસ્તો ભૂલી ગયેલા વૃદ્ધાને 181 અભયમની ટીમે પરિવાર સાથે પુનઃ મેળાપ કરાવ્યો

મોરબીમાં રસ્તો ભૂલી ગયેલા વૃદ્ધાને 181 અભયમની ટીમે પરિવાર સાથે પુનઃ મેળાપ કરાવ્યો

યોગ્ય રીતે બોલી કે ચાલી શકતાં ન હોવાથી મુશ્કેલીમાં મુકાયાં હતાં માજી; જેતપર ગામે પુત્રને સોંપી પરિવારને વૃદ્ધ માતાની વિશેષ સંભાળ રાખવા સમજાવ્યા

મોરબી : અજાણ્યા સ્થળે એકલાં પડી ગયેલાં અને ઉંમરના કારણે પોતાની ઓળખ કે સરનામું જણાવી શકવાની સ્થિતિમાં ન હોય તેવાં વૃદ્ધ માજી માટે 181 અભયમની ટીમ મદદરૂપ બની હતી. એક જાગૃત નાગરિકની જાણના આધારે સ્થળ પર પહોંચેલી ટીમે વૃદ્ધા સાથે આત્મીયતાથી વાતચીત કરી, તેમની પાસેથી મળેલા મર્યાદિત સંકેતોના આધારે શોધખોળ આગળ ધપાવી હતી. અંતે જેતપર ગામે તેમનો પરિવાર મળી આવતાં વૃદ્ધાને હેમખેમ પુત્રના હવાલે કરવામાં આવ્યાં હતાં.

બનાવની વિગતો મુજબ, એક વૃદ્ધા લાંબા સમયથી એક સ્થળે એકલાં બેઠાં હોવાની અને આસપાસના લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકતાં ન હોવાની જાણ નાગરિકે 181 અભયમ હેલ્પલાઇનને કરી હતી. ઉંમરના કારણે તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. હાથનો સહારો લઈને આગળ વધવાનો પ્રયાસ કરતાં હતાં, જ્યારે સાંભળવાની તકલીફને લીધે વાતચીત કરવામાં પણ અડચણ અનુભવતાં હતાં.

આ અંગે જાણ થતાં કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ વિરમભાઈની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમના પરિવાર અને રહેઠાણ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સ્પષ્ટ વિગતો આપી શકતાં ન હતાં. શરૂઆતમાં અભયમ વાનમાં બેસવાની પણ આનાકાની કરતાં વૃદ્ધાને ટીમે ધીરજપૂર્વક સમજાવીને રિક્ષામાં બેસાડ્યાં હતાં. ત્યારબાદ તેમણે હાથના ઈશારાથી દર્શાવેલા માર્ગ પર આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ચોક્કસ સરનામું મળી શક્યું નહોતું.

દરમિયાન વૃદ્ધાએ જેતપર ગામનું નામ જણાવતાં ટીમ તેમને ત્યાં લઈ ગઈ હતી. ગામમાં પૂછપરછ અને તપાસ કરતાં આખરે તેમના પરિવારજનોનો પત્તો મળ્યો હતો. વૃદ્ધાને પુત્રને સોંપવામાં આવતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરિવાર પાસેથી જાણવા મળ્યા મુજબ, વૃદ્ધા અવારનવાર રિક્ષામાં બેસીને પોતાની દીકરી અને બહેનના ઘરે જતાં હતાં અને પરત પણ આવી જતાં હતાં. પરિવાર દ્વારા સમજાવવા છતાં તેઓ ક્યારેક એકલાં જ ઘરેથી નીકળી જતાં હતાં. જોકે, આ વખતે રાત્રિના સમયે વધુ ઉંમર અને શારીરિક અશક્તિને કારણે રસ્તો ભૂલી જતાં પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં.

વૃદ્ધાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડ્યા બાદ અભયમની ટીમે તેમના પુત્રને માતાની વય અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી રાખવા સમજાવ્યું હતું. તેમને એકલાં બહાર ન જવા દેવા તથા બહાર જવાનું થાય ત્યારે પરિવારના સભ્યને સાથે મોકલવા સૂચન કર્યું હતું. 181 અભયમની ટીમની સંવેદનશીલ કામગીરીથી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃમિલન થતાં પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.