50 લાખની ખંડણી માંગી, 12 લાખમાં પતાવટ કરવાનો પ્રયાસ કર્યાની સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસની ત્વરિત કાર્યવાહી
મોરબી : સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ કેળવી લોકોને હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવાના કિસ્સાઓ વચ્ચે મોરબીમાં હાર્ડવેરના વેપારીને નિશાન બનાવવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વેપારી સાથે વાતચીત શરૂ કર્યા બાદ તેના કહેવાતા ભાઈઓએ ધાકધમકી આપી રૂ.50 લાખની ખંડણી માંગી હતી. જોકે, રૂ.12 લાખમાં પતાવટ કરવાની વાત સામે આવ્યા બાદ વેપારીએ પોલીસનો સંપર્ક કરતા સિટી એ ડિવિઝન પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર છે.
મોરબીના રવાપર રોડ પર રહેતા અને હાર્ડવેરની દુકાન ધરાવતા નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમને ઇન્સ્ટાગ્રામ પર 'kajal parmar.47' નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ત્યારબાદ કાજલ નામની યુવતી સાથે તેમની વાતચીત શરૂ થઈ હતી. આ ઓળખાણનો લાભ લઈ થોડા સમય બાદ યુવતીના કહેવાતા ભાઈઓએ વેપારીનો સંપર્ક કર્યો હતો અને બહેન સાથે વાતચીત કરવા મુદ્દે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ વેપારીને પંચાસર ચોકડી પાસે બોલાવી રૂ.50 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ આખરે રૂ.12 લાખમાં મામલો પતાવવાની વાત થઈ હતી. જોકે, વેપારીએ નાણાં આપવાનો ઇનકાર કરતા રાજુ મુછડીયા અને કાજલ પરમાર તેમના ઘરે પહોંચી ગયા હતા અને જો પૈસા નહીં આપે તો કાજલને તેમના ઘરે મૂકી જવાની તેમજ માર મારવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ મામલે નરેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ ઉર્ફે કિશનભાઈ મોમજીભાઈ મુછડીયા (રહે. જાંબુડીયા, મૂળ માળિયા), તેજસભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારીયા (રહે. નાના રામપર, ટંકારા), ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર (રહે. મોરબી) અને કાજલબેન પરમાર (રહે. જૂની પીપળી, મોરબી)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા હોવાના આક્ષેપ હેઠળ ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારીયા હજુ ફરાર હોય, તેને ઝડપી પાડવા પોલીસે તપાસ આગળ ધપાવી છે.