લાલપર નજીક પાછળથી ટ્રેલરે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, બે વ્યક્તિઓ ઘાયલ
મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર મકનસરથી મોરબી તરફ આવી રહેલી રિક્ષાને લાલપર નજીક પૂરપાટ ઝડપે આવેલા ટ્રક ટ્રેલરે પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રેલરચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મકનસર ગામે રહેતા પ્રેમજીભાઈ પંચાસરા ગઈકાલે બપોરના સમયે પોતાની રિક્ષા લઈને મકનસરથી મોરબી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન લાલપર નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રક ટ્રેલર નંબર RJ-50-GA-9777ના ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્મતમાં રિક્ષાચાલક પ્રેમજીભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અશ્વિનભાઈ ગોહિલને ફ્રેક્ચર થયું હતું અને તેમના ભત્રીજા શક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મૃતક પ્રેમજીભાઈના પુત્ર સતિષભાઈ પંચાસરા (રહે. મકનસર)એ ટ્રક ટ્રેલરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.