Monday - Nov 16, 2026

ટંકારા નજીક ફિલ્મની જેમ કાર 8થી વધુ વખત પલટી મારી ટીસી સાથે ધડાકાભેર અથડાઈ, બેના મોત

ટંકારા નજીક ફિલ્મની જેમ કાર 8થી વધુ વખત પલટી મારી ટીસી સાથે ધડાકાભેર અથડાઈ, બેના મોત

રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગમખ્વાર અકસ્માત : કારમાંથી બે યુવાનો ફંગોળાયા, ત્રીજાને ગંભીર ઈજા

મોરબી : રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે એક ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યાં હતાં. પૂરઝડપે દોડતી સ્વિફ્ટ કાર ફિલ્મી દૃશ્યો સર્જતી હોય તેમ એક બાદ એક 8થી વધુ વખત પલટી મારી હતી અને અંતે રોડ સાઈડમાં આવેલા વીજ ટીસી સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારમાં સવાર બે યુવાનો બહાર ફંગોળાયા હતા, જ્યારે ત્રીજા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત શનિવારે સવારે રાજકોટથી ત્રણ યુવાનો સ્વિફ્ટ કારમાં ફ્લાવર ડેકોરેશનના કામ અર્થે મોરબી તરફ આવી રહ્યા હતા. દરમિયાન ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે આવેલા સીએનજી પમ્પ સામે હાઈવેની ગોળાઈમાં પૂરઝડપે દોડતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર બેકાબૂ બની હાઈવે પર અનેક વખત પલટી મારીને રોડ સાઈડમાં આવેલા વીજ ટીસી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા અમન ગણેશભાઈ બાબરીયા અને આગળની સીટ પર બેઠેલા પ્રભાત કાળુભાઈ લામકા કારમાંથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પાછળની સીટ પર બેઠેલા જીવણ સવજી દાભીને હોઠ અને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ યુવાનો ફ્લાવર ડેકોરેશનના કામે મોરબી આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલી આ દુર્ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.