ટ્રાફિક ચોકી પાસે લઈ જઈ પૂછપરછ કરી પોલીસે થોડા જ સમયમાં પરિવારની શોધખોળ કરીને માતા-પિતાને બાળક સાથે સુખદ મેળાપ કરાવ્યો
મોરબી : દશામાના વ્રતના તહેવારને પગલે મોરબીની મુખ્ય બજાર એવા નહેરુગેટ વિસ્તારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ બજારમાં ચિક્કાર ભીડ વચ્ચે એક નાનું બાળક રડતું પોલીસની નજરે પડ્યું હતું. ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફે બાળકને ટ્રાફિક ચોકી પાસે લઈ જઈ તેની પૂછપરછ અને ઓળખ મેળવવાની કાર્યવાહી કરી હતી. આ બાળકનું નામ માધવ હોવાનું અને તેની ઉંમર આશરે ત્રણથી ચાર વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકની પૂછપરછ દરમિયાન તે માતા સાથે નહેરુગેટ ચોકની બજારમાં ખરીદી કરવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું. માધવના વાલીઓ મોરબીના ધરમપુર વિસ્તારમાં ખેતીકામ સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ખરીદી દરમિયાન ભારે ભીડમાં બાળક તેની માતાથી વિખૂટો પડી ગયો હતો માતાથી બાળકથી અલગ થઈ જતાં તેઓ પણ તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાળકના પરિવારજનોને શોધવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. ટ્રાફિક PSI ઠાકર સહિતના પોલીસ કર્મચારીઓ અને TRB સ્ટાફે મળીને બાળકના વાલીઓ અંગે માહિતી મેળવી શોધખોળ કરતા અંતે બાળકના પરિવારજનો મળી આવતાં જરૂરી ખરાઈ કર્યા બાદ માધવને તેના વાલીઓને સોંપવામાં આવ્યો હતો. થોડા સમયમાં જ વિખૂટા પડેલા બાળકનું પોલીસે તેના માતા સહિતના પરિવારને શોધીને સુખદ મેળાપ કરાવતા પરિવારજનોએ પોલીસ સ્ટાફની તત્કાળની માનવતાભરી કામગીરીને બિરદાવી હતી. જો કે તહેવારની ભીડમાં બાળક માતાથી વિખૂટું પડતા તેની માતા રીતસર બેબાકળા બની ગયા હતા. પણ બાળક હેમખેમ મળતા રાહતનો દમ લીધો હતો.
ભીડમાં નાના બાળકો પર નજર રાખવી જરૂરી
તહેવારો દરમિયાન બજારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે નાના બાળકો સાથે ખરીદી કરવા નીકળતા વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી બને છે. ભીડવાળા વિસ્તારમાં બાળકથી થોડા સમય માટે પણ ધ્યાન હટે તો તે પરિવારથી વિખૂટું પડી શકે છે. નહેરુગેટની ઘટનામાં પણ ભીડ વચ્ચે બાળક માતાથી અલગ થઈ ગયું હોવાથી પોલીસે તમામ લોકોને તહેવારો દરમિયાન ભીડમાં બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવાની અપીલ કરી છે.