આવાસોના નિર્માણથી વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકવાની સાથે રેલવે જમીન, ટ્રાફિક અને પ્રાથમિક સુવિધાઓને અસર થવાની ભીતિને કારણે PM આવાસનું આયોજન ખસેડવાની રજૂઆત
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસથી વિદ્યુતનગર સુધીના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત મકાનો બનાવવાના આયોજન સામે સ્થાનિક રહીશોએ વિરોધ ઉઠાવ્યો છે. જેમાં અનંતનગર, વર્ધમાનનગર, ગીરીરાજ, સરસ્વતી સોસાયટી અને વિદ્યુતનગર સોસાયટીના રહીશોએ પીએમ આવાસોના આયોજનથી પાણીનો નિકાલ અટકવા સહિતની સમસ્યાઓ ઉદભવે તેમ હોવાથી આ પીએમ આવાસોનું અન્ય યોગ્ય સ્થળે નિર્માણ કરવાની સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને રજૂઆત કરી છે.
મહેન્દ્રનગર સર્વે નંબર 155/1-2થી વિદ્યુતનગર સુધીનો વિસ્તાર આવાસ યોજના માટે યોગ્ય ન કારણોમાં ખાસ કરીને આ વિસ્તારમાંથી વરસાદી પાણીના કુદરતી વહેણનો નિકાલ થતો હોવાથી મોટા પાયે બાંધકામ થતાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહેન્દ્રનગર ગામની સીમ તથા આસપાસની સોસાયટીઓનું વરસાદી પાણી આ વિસ્તારમાંથી પસાર થઈ કાલીન્દ્રી નદી તરફ જાય છે. આવાસ યોજના અંતર્ગત મોટી સંખ્યામાં મકાનો બનશે તો ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ અટકી જશે. જેના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૂચિત સ્થળનો મોટો હિસ્સો રેલવે લાઇનને અડીને આવેલો હોવાથી ભવિષ્યમાં રેલવે વિસ્તરણ વખતે જમીન અંગે કાનૂની વિસંગતતા ઊભી થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ગીચ વિસ્તારમાં નવી આવાસ વસાહત ઊભી થવાથી વસ્તીમાં વધારો થતાં ટ્રાફિક, પાર્કિંગ, ગંદકી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પર પણ ભારણ વધવાની દહેશત પણ વ્યક્ત કરી છે. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસ કે ગરીબ પરિવારો માટેના આવાસના વિરોધમાં નથી, પરંતુ તેમના આવાસ માટે યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે તો અહીંના સ્થાનિકોને સંભવિત મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરવામાંથી ઉગારી શકાય એ ઉપરાંત ગરીબોને પણ અનુકૂળ વાતાવરણ સાથે કોઈપણ સમસ્યા ન રહે તેવા સ્થળે આવાસો બનાવવામાં આવે તો બંને પક્ષે મુશ્કેલી દૂર થઈ શકે એમ છે. આથી આવાસ યોજના માટે ભડીયાદ ગામના સરકારી ખરાબા અથવા ધરમપુર ગામની વિશાળ સરકારી ખરાબાની જમીનનો વિકલ્પ સ્થાનિકોએ સૂચવ્યો છે. આ સ્થળોએ યોજના ખસેડવાથી ગરીબ પરિવારોને વધુ ખુલ્લું વાતાવરણ અને સુવિધાજનક વસવાટ મળી શકે તેમ સ્થાનિકોનું માનવું છે. સાથે જ વર્તમાન સ્થળનો ઉપયોગ સરકારી અધિકારીઓના નિવાસસ્થાન સહિત અન્ય જાહેર હેતુ માટે કરી શકાય તેવી રજૂઆત સાથે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા માગ કરવામાં આવી છે.