Saturday - May 02, 2026

મોરબીમાં યુવાનના આપઘાત કેસમાં ભાજપના આગેવાન સહિત ત્રણ ઝડપાયા

મોરબીમાં યુવાનના આપઘાત કેસમાં ભાજપના આગેવાન સહિત ત્રણ ઝડપાયા

ઉછીના લીધા બાદ પરત આપવાને બદલે ખોટી ફરિયાદ નોંધાવતા યુવાને આપઘાત કર્યો" તો

મોરબી : મોરબીમાં બનેવી જેને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોય તે પરત ન આપતા તેણે આ બાબતે સાળાને વાત કરતા સાળાએ રૂપિયા માંગતા ત્રણ શખ્સોએ રૂપિયા પરત આપવાને બદલે સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જાનથી મારી નાખવા ધમકી આપતા ડરી ગયેલા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાના બનાવમાં બનેવીએ પોતાના સાળાને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં ભાજપ આગેવાન સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા મૂળ લક્ષ્મીનગરના રહેવાસી હર્ષભાઈ અમરશીભાઈ લિખિયાએ આરોપી એવા ભાજપ આગેવાન હિતેશ વાસુદેવભાઈ દસાડિયા, આશિષ રમેશભાઈ પાડલીયા અને આરોપી કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને આરોપી આશિષ તેમજ કમલેશને હાથ ઉછીના પૈસા આપ્યા બાદ આરોપીઓ પૈસા પરત આપતા ન હોવાથી ફરિયાદીના સાળા વિપુલભાઈ વિડજાને રૂપિયા બાબતે વાત કરી હતી.જેથી સાળા અને બનેવીએ આરોપીઓને રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાવતા વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિપુલભાઈને મરવા મજબુર કરવા મામલે ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા ભાજપના આગેવાન છે. તેઓ અગાઉ તાલુકા યુવા ભાજપ રહી ચૂક્યા છે. હાલ મિશન નવ ભારત સંગઠનમાં માળિયા મિયાણા તાલુકાના પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે.