સવારે સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓની વિવિધ પ્રસ્તુતિઓ, ઉદ્ઘાટન બાદ સાંજે 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે કક્ષ ખુલ્લો રહેશે
મોરબી : મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આયોજન હેઠળ ‘સંસ્કૃત કક્ષ’ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન આગામી 16 ઓગસ્ટ, રવિવારના રોજ કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના વારસાને લોકો તથા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવશે.
સવારે 8 વાગ્યાથી સંસ્કૃત કક્ષ’ના ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ 11 વાગ્યા સુધી સભાખંડના E ફ્લોર પર સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ, સવારે 11 વાગ્યે B ફ્લોર ઓડિટોરિયમ ખાતે ‘સંસ્કૃત કક્ષ’નું ઉદ્ઘાટન અને ઉદ્ઘાટન બાદ સાંજે 5 વાગ્યા સુધી મહાનુભાવો, વિદ્યાર્થીઓ સહિત નાગરિકો સંસ્કૃત કક્ષની મુલાકાત લઈ શકશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતના પ્રાચીન વારસાથી લઈને તેના આધુનિક ઉપયોગ સુધીના વિવિધ વિષયો રજૂ કરવામાં આવશે. તેમાં ‘ભારતનો ભવ્ય વારસો-સંસ્કૃત’, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર, સંસ્કૃતમાં રહેલી વૈજ્ઞાનિક વિરાસત, સંસ્કૃત આધારિત રમતો તથા પ્રેરણાદાયી કથાઓનોની પ્રસ્તુતિ કરાશે. આ ઉપરાંત ચિત્રોના માધ્યમથી દૈનિક વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દોનું નિરૂપણ, સુભાષિતો, શ્લોકો અને ભગવદ્ ગીતાના શ્લોકોના કંઠસ્થિકરણ સહિતની પ્રવૃત્તિઓ પણ રજૂ થશે. સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા ‘લાઈવ સંસ્કૃત’ અને કંઠસ્થિકરણ પ્રકલ્પ પણ કાર્યક્રમનું આકર્ષણ બનશે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓ અને વિષય આધારિત પ્રદર્શની પણ રજૂ કરવામાં આવશે. સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ વારસાને સરળ તથા રસપ્રદ રીતે સમજાવતી આ પ્રદર્શની કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે વિશેષ આકર્ષણ બની રહેશે.