ફિઝિયોટાઇમ્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાન; શિક્ષણ, સંશોધન, સારવાર અને નવીન કાર્યક્ષેત્રની કામગીરીની નોંધ
મોરબી : મોરબીના આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ હેઠળ કાર્યરત આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીનો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ફિઝિયોટાઇમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના 100 ફિઝિયોથેરાપી ક્ષેત્રના દિગ્ગજોની યાદીમાં સમાવેશ કરાયો છે. ફિઝિયોથેરાપી ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, તબીબી સારવાર, નેતૃત્વ અને નવીનતા ક્ષેત્રે કામગીરીને આધારે આ યાદી જાહેર કરવામાં આવી હતી.
ડૉ. રાહુલ છતલાણી છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ફિઝિયોથેરાપીના શિક્ષણ, સંશોધન અને તબીબી સારવાર ક્ષેત્રે કાર્યરત છે. તેમણે ફિઝિયોથેરાપી શિક્ષણમાં ગુણવત્તા સુધારવા તેમજ સંશોધન અને પુરાવા આધારિત સારવાર પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કામગીરી કરી છે.
તેમના 30થી વધુ સંશોધન લેખો પ્રતિષ્ઠિત તેમજ સ્કોપસ અને વેબ ઓફ સાયન્સમાં સમાવિષ્ટ સંશોધન સામયિકોમાં પ્રકાશિત થયા છે. આ સંશોધન કાર્યના માધ્યમથી ફિઝિયોથેરાપીના શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રમાં સંશોધન આધારિત અભિગમને આગળ વધારવામાં યોગદાન આપવામાં આવ્યું છે.
ફિઝિયોટાઇમ્સની આ યાદીમાં સ્થાન મળવાથી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ તેમજ મોરબીના ફિઝિયોથેરાપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ડૉ. રાહુલ છતલાણીની આ સિદ્ધિની નોંધ લેવામાં આવી છે.