10 ડેમોમાંથી 3 ડેમ 90%થી વધુ ભરેલા તો 2 ડેમમાં 10%થી પણ ઓછું પાણી
(RB NEWS એનાલિસિસ, ફાઉન્ડર રવિ બરાસરા) : મોરબી જિલ્લામાં ચોમાસું વિલંબથી શરૂ થયા બાદ 24 જુલાઈ અને 1 ઓગસ્ટ અને તાજેતરમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજાએ ભરપૂર મહેર કરતા જળાશયોમાં પાણીનું ચિત્ર નોંધપાત્ર રીતે ઉજળું થયાનું જિલ્લા સિંચાઈ વિભાગે સતાવાર રીતે 10 ડેમોના જળ સંગ્રહના દર્શાવેલા આંકડા પરથી સામે આવ્યું છે. જો કે, હવે ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. પણ હમણાંથી વરસાદની બદલાયેલી સિસ્ટમથી હજુ પણ ધાર્યા કરતાં વધુ વરસાદ પડે તેવી પણ શકયતા છે. ત્યારે મોરબી જિલ્લાના 10 મુખ્ય જળાશયોની હાલની સ્થિતિ જોતા કુલ 198.68 મિલિયન ઘનમીટર એટલે કે આશરે 7,016 એમસીએફટી જીવંત જળસંગ્રહ થયો હોય ટકાવારીની દ્રષ્ટિએ આ દસેય ડેમમાં સરેરાશ 62.94% જળ જથ્થો સંગ્રહિત થયો છે. આ સરેરાશ પાછળ ડેમોની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે. એક તરફ મચ્છુ-3 સંપૂર્ણ 100% ભરાયેલો છે, જ્યારે ડેમી-3માં માત્ર 2.90% અને ડેમી-1માં માત્ર 37.1 એમસીએફટી સાથે 6.81% જીવંત જળ સંગ્રહ દર્શાવવામાં આવ્યો છે. એટલે જિલ્લાના આ બે ડેમની નાજુક પરિસ્થિતિ છે. જ્યારે બ્રાહ્મણી-1માં 1,857.6 એમસીએફટી પાણી સાથે 93.67%, ઘોડાધ્રોઈ 185.8 એમસીએફટી સાથે 95.86% ભરાયેલો, બંગાવડીમાં 151.5 એમસીએફટી સાથે 72.32% જળસંગ્રહ તેમજ જિલ્લાના સૌથી મોટા મચ્છુ-2માં 2,271.8 એમસીએફટી સાથે 77.51%, જળ સંગ્રહ, મચ્છુ-1માં 1,521.0 એમસીએફટી સાથે 62.46% પાણી, ડેમી-2માં 429.4 એમસીએફટી સાથે 63.53% જળસંગ્રહ છે. તેમજ બ્રાહ્મણી-2માં 334.1 એમસીએફટી સાથે 54.37% જળ સંગ્રહ છે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબરમાં ભાદરવે કે આસોમાં અષાઢ જામ્યો હોય એ રીતે મુશળધાર વરસાદથી અડધાથી પણ વધુ ખાલી રહેલા મચ્છુ 2 ડેમ સહિતના જળાશયો ઓવરફલો થયા હતા. ત્યારે હજુ વરસાદનો અંતિમ તબબકો ચાલતો હોય જે જળાશયો ખાલીખમ હોય એનું ચિત્ર ઉજળું થઈ શકે તેવી સંભાવના સિંચાઈ વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
ટંકારા વરસાદમાં મોખરે છતાં ડેમી-3, ડેમી-1માં કટોકટીભરી સ્થિતિ
ટંકારા તાલુકો આ વર્ષે પણ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદમાં મોખરે રહ્યો છે. આમ છતાં પણ ટંકારાના મુખ્ય બે જળાશય ખાલીખમ જેવી નાજુક સ્થિતિમાં રહ્યા છે. જેમાં ડેમી-3માં માત્ર 2.90% છે. એટલે જીવંત સંગ્રહ 0 એમસીએફટી દર્શાવાયો છે. આવી રીતે ડેમી-1માં માત્ર 6.81% એટલે 37.1 એમસીએફટી પાણી છે. બ્રાહ્મણી-2માં 54.37% એટલે 334.1 એમસીએફટી અને મચ્છુ-1માં 62.46% એટલે 1,521 એમસીએફટી પાણી છે. જો કે, રવિ પાકની વાસ્તવિક સ્થિતિ માત્ર આ ડેમોના ઓછા જળસંગ્રહ પર નહીં, પરંતુ ભૂગર્ભજળ, સ્થાનિક સિંચાઈ સ્રોત અને આગામી વરસાદ પર પણ નિર્ભર રહેશે.
એકમાત્ર સિંચાઈ માટે અનામત મચ્છુ 1 હેઠળના જ ખેડૂતોને ફાયદો
દસેય જળાશયોમાંથી ડેમી-3 અને ડેમી-1ને બાદ કરતાં બાકીના આઠેય ડેમોમાં પીવાના પાણીની મજબૂત સ્થિતિ કહી શકાય એટલો જળ સંગ્રહ છે. જે 70 ટકાથી ઓછા જળ સંગ્રહ ધરાવતા પાંચ ડેમોને પાણી માટે અનામત રાખવા પડે એમ હોય સિંચાઈ માટે ખેડૂતોને ફાંફા પડશે. જો કે, જિલ્લાના એકમાત્ર મચ્છુ 1 ડેમ માત્ર સિંચાઈ માટે જ અનામત હોય એ ડેમના કમાન્ડ એરિયાના ખેડૂતોને રવીપાક માટે ખૂબ જ ફાયદો થશે તેમજ જો પાણી વધુ બચશે તો ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી શક્યતા છે.
દસેય જળાશયોની હાલની સ્થિતિ
જળાશય જીવંત જળસંગ્રહ (એમસીએફટી) , ટકાવારી
મચ્છુ-2 2,271. 8 77.51%
બ્રાહ્મણી-1 1,857.6 93.67%
મચ્છુ-1 1,521.0 62.46%
ડેમી-2 429.4 63. 53%
બ્રાહ્મણી-2 334.1 54.37%
મચ્છુ-3 228.1 100% ભરેલો
ઘોડાધ્રોઈ 185.8 95.86%
બંગાવડી 151.5 72.32%
ડેમી-1 37.1 6. 81%
ડેમી-3 0 2.90%
કુલ આશરે 7,016.3, સરેરાશ 62.94% સંગ્રહ
એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયા બાદ મચ્છુ 2માં 77 ટકા જળ સંગ્રહ
1 ઓગસ્ટના રોજ ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડતાં જિલ્લાના સૌથી મોટા 33 ફૂટની સપાટી ધરાવતા મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતા એકસાથે 16 પાટિયા ખોલવા પડ્યા હતા અને આવડો જ બીજો ડેમ ભરાય એટલું એટલે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી નદી મારફતે દરિયામાં છોડી દેવું પડ્યું હતું. ત્યારબાદ રોજ મોરબી અને આસપાસના ગામોને પીવા માટે આ ડેમમાંથી આશરે 7થી 8 એમસીએફટી જળ જથ્થો ઉપાડવામાં આવતા હાલ આ મચ્છુ-2 ડેમમાં 2,271.8 એમસીએફટી (77.51%) પાણી છે. આ ડેમ તેમજ મચ્છુ 1 ડેમ ઓવરફ્લો, ઘોડાધ્રોઈ અને બ્રાહ્મણી-1 ડેમ પણ તે વખતે ઓવરફ્લો થયા હતા. પણ એમાંથી વપરાશ હાલ ઘોડાધ્રોઈ 185.8 એમસીએફટી (95.86%), બ્રાહ્મણી-1 1,857.6 એમસીએફટી (93.67%) પાણી છે. તેમજ બંગાવડી ડેમમાં પણ 70 ટકા ઉપર જળ.જથ્થો હોવાથી આ પાંચેય ડેમોમાં આશરે 4,694.8 એમસીએફટી પાણી હોય એટલે દસેય ડેમના કુલ જીવંત સંગ્રહમાંથી લગભગ બે તૃતીયાંશ જથ્થો આ પાંચ જળાશયોમાં સંગ્રહિત છે.
-હરદીપ છૈયા
કાર્યપાલક ઈજનેર,
સિંચાઈ વિભાગ, મોરબી