Wednesday - Sep 30, 2026

મોરબીમાં 4 ઓક્ટોબરે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

મોરબીમાં 4 ઓક્ટોબરે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

જલારામ ધામ ખાતે સવારે 9થી 12 દરમિયાન આંખના દર્દીઓની તપાસ સાથે ટાંકા વિનાના નેત્રમણી ઓપરેશન કરાશે; અત્યાર સુધીના 59 કેમ્પમાં 16,419 લોકોએ લાભ લીધો

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ ખાતે આગામી તા. 4 ઓક્ટોબર, રવિવારે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. હિતેશભાઈ પ્રભુદાસભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 4 તારીખે સર્વજ્ઞાતીય નિઃશુલ્ક નેત્રમણી કેમ્પ યોજવામાં આવે છે. તા. 4 ઓક્ટોબરના કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે.

જરૂરિયાત જણાય તેવા દર્દીઓના અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વિનાના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ આવવા-જવા ઉપરાંત રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને આંખના ટીપાં સહિતની સુવિધા પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી બુકિંગ કરાવવાની જરૂર નથી. આંખની તપાસ કરાવવા આવતા દર્દીઓએ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યોજાયેલા 59 કેમ્પમાં કુલ 16,419 લોકોએ લાભ લીધો છે, જ્યારે 7,513 લોકોના નિઃશુલ્ક નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.

વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા (9879218415), નિર્મિતભાઈ કક્કડ (9998880588) અથવા અનિલભાઈ સોમૈયા (8511060066)નો સંપર્ક કરી શકાય છે.