મોરબી શહેરની વચ્ચોવચ પસાર થતી મચ્છુ નદીના પટ્ટમાં સામાકાંઠે ઝૂલતાપૂલ પાસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મચ્છુ નદીના પાણીનો અવરોધ થાય તે રીતે ગેરકાયદે મસમોટા બાંધકામ સાથે દબાણ ખડકી દેવાતા જિલ્લા વહીવટી તંત્ર આકરા પાણીએ થયું છે.આ સ્વામીનારાયણ મંદિર દ્વારા મંજૂરી વગર ગેરકાયદે મસમોટું દબાણ ખડકયું હોવાનું બહાર આવતા મચ્છુ નદીમાં સંભવિત અત્યારે ભારે વરસાદ પડે તો પુર આવે અને પુર આવે તો જાનહાની થવાની પુરી દહેશત હોવાથી મોરબી નગર પાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી બે દિવસમાં સ્વખર્ચે તમામ બાંધકામ દૂર કરવા આદેશ આપ્યો છે.
મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં પાણીનો અવરોધ થાય તે રીતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગેરકાયદે દબાણ ખડકાયું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ મુદ્દે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવી આ વખતે ચોમાસામાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ તો ન કરે નારાયણ અને ઝૂલતાપુલ તૂટ્યો તેવી જ દુર્ઘટના ફરી થવાની આશંકા વ્યક્ત કરતા અંતે તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા કલેકટર સહિતના તંત્રએ તપાસના આંદેશ આપ્યા બાદ અધિકારીઓની ટીમની તપાસમાં જાગૃત નાગરિકોએ દર્શાવેલી આશંકા સાચી ઠરે એમ હોય એ રીતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ ભવ્ય તામજામ સાથે ગેરકાયદે મસમોટા બાંધકામ કર્યાનું બહાર આવ્યું હતું.આથી આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છતાં તંત્રના આદેશ મુજબ આ સંસ્થાએ તેના જ ખર્ચે ગેરકાયદે બાંધકામ હટાવ્યું ન હતું. તેથી મોરબી નગરપાલિકાએ ફરીથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા ભરતભાઈ ભગવાનજીભાઈ બોપલીયા સહિતના 12 વહીવટકર્તાને નોટિસ ફટકારી નદીના પટ્ટમાં તેમના દ્વારા ખદકાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો હુકમ કર્યો હતો. જો આ હુકમનું પાલન નહિ થાય અને અત્યારે ચાલી રહેલા ચોમાસામાં નદીમાં પુર આવે અને જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સંસ્થાના સંચાલકોની રહેશે તેવી તંત્રએ ચેતવણી આપી છે.