મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામની વતની અને હાલ ગાંધીનગર સ્થિત વિદ્યાર્થીની પ્રેક્ષા વિક્રમભાઈ વિરપરીયાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે એસોસિયેશન દ્વારા આયોજિત '21મી વાડોકાઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ-2025'માં પ્રેક્ષાએ શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ પોતાના નામે કર્યા છે.
આ સ્પર્ધામાં ભારત સહિત જાપાન, યુકે, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં પ્રેક્ષા વિરપરીયાએ અદભૂત કૌશલ્ય દાખવીને કરાટે ફાઇટમાં ગોલ્ડ મેડલ અને કરાટે કાતામાં સિલ્વર મેડલ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેક્ષાએ અગાઉ પણ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવેલો છે, આમ આ તેનો બીજો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે.
મૂળ મોરબીના ઘૂંટુ ગામના અને હાલ ગાંધીનગરના સરગાસણ સ્થિત "ધ વ્યુ" સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ શિવલાલભાઈ વિરપરીયાની પુત્રી પ્રેક્ષા, ગાંધીનગરની રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 7 માં અભ્યાસ કરે છે. નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે બેવડી સિદ્ધિ મેળવીને તેણે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ પ્રેક્ષા પર ચોમેરથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.