35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં ગ્રુપ સ્ટેજમાં શાનદાર દેખાવ : હવે અમદાવાદ સામે થશે ટક્કર
મોરબી : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિયેશનની ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ગુજરાતના 23 જિલ્લાઓની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. તમામ ટીમોને સાત ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. મોરબીના ગ્રુપમાં સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લાની ટીમો હતી. મોરબીની ટીમે પ્રથમ મુકાબલામાં સુરેન્દ્રનગરને 5-3થી હરાવ્યા બાદ દાહોદ સામે એકતરફી પ્રદર્શન કરતાં 9-0ના વિશાળ અંતરે વિજય મેળવ્યો હતો. સતત બે જીત સાથે મોરબીએ ગ્રુપમાંથી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો છે.
હવે ક્વાર્ટર ફાઇનલમાં મોરબીની ટક્કર મજબૂત ગણાતી અમદાવાદની ટીમ સામે થશે. આ મુકાબલો જીતવા માટે ટીમે તૈયારીઓ શરૂ કરી છે.
મોરબીની ટીમમાં અભિનાશ દુબે (બંટી સર)ના માર્ગદર્શન હેઠળ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, ગ્રીન વેલી સ્કૂલ અને સોકર સ્ટાર ફૂટબોલ એકેડમીના ખેલાડીઓ ઉપરાંત રાજકોટના ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વરસાદી માહોલ અને પરીક્ષાના સમયગાળા વચ્ચે પણ યુવા ખેલાડીઓએ નોંધપાત્ર પ્રદર્શન કરીને મોરબી જિલ્લામાં ફૂટબોલ રમતનું વધતું આકર્ષણ દર્શાવ્યું છે. ટીમની આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ દેવેનભાઈ રબારી, સેક્રેટરી જીતુભાઈ રબારી તથા ફૂટબોલ કોચ મુસ્તાક સુમરાએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી ક્વાર્ટર ફાઇનલ માટે શુભેચ્છાઓ પાઠવી છે.