મોરબી : તાજેતરના વરસાદી વાતાવરણમાં અનેક ખેડૂતોના બીટી કપાસના પાકમાં અચાનક છોડના પાન ઢળી પડવા અને છોડ સુકાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, આ લક્ષણો હંમેશા સુકારા રોગના નથી, પરંતુ તેને વૈજ્ઞાનિક ભાષામાં 'પેરા વિલ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઈ અમરશીભાઈ સરડવાએ ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરવામાં આવે તો છોડ ફરી સ્વસ્થ બની શકે છે.
તેમણે જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે છોડના થડની આસપાસ પાણી ભરાઈ રહે છે અને તેજ પવનના કારણે જમીન તથા થડ વચ્ચે જગ્યા સર્જાય છે. તેના કારણે મૂળ સુધી પોષક તત્ત્વો અને ભેજનું સંતુલન ખોરવાતાં છોડના પાન અચાનક ઢળી પડે છે અને છોડ સુકાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતો તેને ઘણી વખત સુકારા રોગ સમજી લેતા હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં તે 'પેરા વિલ્ટ' હોય છે.
નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિકે ખેડૂતોને સલાહ આપી છે કે ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેવા ન દેવું અને તાત્કાલિક નિકાલ કરવો. થોડા દિવસ માટે યુરિયા અથવા અન્ય નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળવું. છોડનો તણાવ ઘટાડવા માટે એક ટકા પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45) અથવા એક ટકા પોટાશનો છંટકાવ કરવો. ઉપરાંત હ્યુમિક એસિડ સાથે સીવીડ એક્સટ્રેક્ટ અથવા એમિનો એસિડનો સ્પ્રે કરવાથી પણ છોડને પુનઃસ્થાપિત થવામાં મદદ મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો છોડના થડ અથવા મૂળમાં સડો જોવા મળે તો ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસ દ્વારા જમીનની સારવાર કરવી જોઈએ. જો ઉપરોક્ત ઉપાયો તાત્કાલિક શક્ય ન હોય તો કપાસના છોડના થડની બંને બાજુ પગ વડે માટી દબાવી દેવામાં આવે તો પણ છોડને ટેકો મળી સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
મુખ્ય ઉપાયો
ખેતરમાં પાણી ભરાઈ રહેવા ન દેવું અને તાત્કાલિક નિકાલ કરવો.
થોડા દિવસ માટે યુરિયા તથા નાઇટ્રોજનયુક્ત ખાતર બંધ રાખવું.
1% પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45) અથવા 1% પોટાશનો છંટકાવ કરવો.
હ્યુમિક એસિડ + સીવીડ એક્સટ્રેક્ટ અથવા એમિનો એસિડનો સ્પ્રે કરવો.
મૂળમાં સડો જણાય તો ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસથી જમીનની સારવાર કરવી.
અન્ય ઉપાય શક્ય ન હોય તો છોડના થડની બંને બાજુ માટી દબાવી છોડને ટેકો આપવો.