Thursday - Oct 01, 2026

વાંકાનેરના ભલગામ પાસે રોંગ સાઈડમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરની હડફેટે યુવાનનું મોત

વાંકાનેરના ભલગામ પાસે રોંગ સાઈડમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરની હડફેટે યુવાનનું મોત

બાથરૂમ કરીને રોડ ક્રોસ કરી પરત ફરતી વેળાએ અકસ્માત, ડમ્પર ચાલક વાહન સાથે ફરાર

મોરબી : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ચોટીલા તાલુકાના ડોસલીધૂના ગામના રહેવાસી ભીખાભાઈ બીજલભાઈ બથવારે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ દિનેશભાઈ બીજલભાઈ બથવાર ભલગામ નજીક રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની સામેના ભાગેથી રોડ ક્રોસ કરીને બાથરૂમ કરવા ગયા હતા. બાથરૂમ કર્યા બાદ તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે જીજે-10-ટીવાય-8484 નંબરનું ડમ્પર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું.

આ દરમિયાન ડમ્પર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારી દિનેશભાઈને અડફેટે લીધા હતા. અકસ્માતમાં દિનેશભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્મત બાદ ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.