Friday - Oct 02, 2026

હળવદના રણજીતગઢમાં સાયકલ પરથી પટકાતા 8 વર્ષની બાળકીનું મોત

હળવદના રણજીતગઢમાં સાયકલ પરથી પટકાતા 8 વર્ષની બાળકીનું મોત

રિસેસમાં ઘરે જતી વખતે રસ્તામાં અચાનક સાયકલ સાથે પડી જતા બાળકીનું મોત થતા તેના પરિવારમાં અરેરાટી

મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રિસેસ દરમિયાન શાળાએથી ઘરે જમવા જતી આઠ વર્ષની બાળકીનું સાયકલ પરથી પડી જતાં મોત થયું હતું. બનાવ બાદ બાળકીને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

રણજીતગઢ ગામે રહેતા જયેશભાઈ ગોરધનભાઈ સોનાગ્રાની પુત્રી પ્રિયલ ગઈકાલે બપોરે આશરે એક વાગ્યાના અરસામાં શાળામાંથી રિસેસ દરમિયાન સાયકલ લઈને ઘરે જતી હતી. દરમિયાન સુખદેવભાઈ હડિયલના ઘર પાસે કોઈ કારણોસર પ્રિયલ સાયકલ સહિત રસ્તા પર પડી ગઈ હતી. અકસ્માતમાં તે બેભાન થઈ જતા પરિવારજનો સહિતના લોકો તેને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પ્રિયલને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતક બાળકીના પિતા જયેશભાઈ સોનાગ્રાએ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.