ખરેડા અને વાંકડા ગામના ખેડૂતો-મહિલાઓ જોડાયા : આંદોલનના સમર્થનમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળે ખેડૂત સંમેલન
મોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોના વળતર મુદ્દે ચાલી રહેલા ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીના આંદોલનને સતત વ્યાપક સમર્થન મળી રહ્યું છે. રવિવારે ખરેડા અને વાંકડા ગામના કુલ 23 ખેડૂતો અને મહિલાઓએ સત્યાગ્રહ છાવણીમાં પ્રતીક ઉપવાસ શરૂ કરી ખેડૂતોની માંગણીઓને સમર્થન જાહેર કર્યું હતું.
આંદોલન સમિતિના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી આંદોલનમાં સહભાગી બની રહ્યા છે, જેના કારણે આંદોલનને દિવસેને દિવસે વધુ વેગ મળી રહ્યો છે.
ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુથી આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તેના ભાગરૂપે સાંજે 4 વાગ્યે વણા ગામે તથા રાત્રે 8:30 વાગ્યે મૂળી તાલુકાના કુંતલપુર ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને સભાઓમાં આંદોલનની પૃષ્ઠભૂમિ, ખેડૂતોની માંગણીઓ અને આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહી આંદોલનને વધુ મજબૂત બનાવશે.