નાગરતન પ્લાઝામાં 12 મિનિટ બાદ ફાયર ટીમે રેસ્ક્યુ કરી તમામને સલામત બહાર કાઢ્યા
મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી નાગરતન પ્લાઝાની લિફ્ટ મધરાતે અચાનક બંધ પડી જતાં છ લોકો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર કંટ્રોલ રૂમને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. આથી આ બનાવવની ગંભીરતાથી લઈ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને સલામત બહાર કાઢ્યા હતા.
મોરબી ફાયર બીગ્રેડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે 12:12 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમને મહેન્દ્રનગર સ્થિત નાગરતન પ્લાઝામાં લિફ્ટમાં લોકો ફસાયા હોવાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે હાઇડ્રોલિક સ્પ્રેડર સહિતના સાધનોની મદદથી લિફ્ટનું દરવાજું ખોલી અંદર ફસાયેલા તમામ છ લોકોને સલામત બહાર કાઢ્યા હતા.
લિફ્ટમાં ફસાયેલા યુવકોમાં સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.