સ્વજનની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડીને જનરલ, મહિલા, એક્સિડન્ટ, પ્રસુતિ અને બાલ વિભાગના દર્દીઓને ફળ અપાયાં
મોરબી : સ્વ. નાનજીભાઈ કાનજીભાઈ રાંકજાની 20મી પુણ્યતિથિ નિમિત્તે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 200થી વધુ દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વજનની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડીને રાંકજા પરિવાર દ્વારા આ સેવા હાથ ધરવામાં આવી હતી.
સ્વ. નાનજીભાઈ રાંકજાની સ્મૃતિમાં તેમના પુત્ર શિવલાલભાઈ નાનજીભાઈ રાંકજાના સહયોગથી યોજાયેલા આ સેવાકાર્ય દરમિયાન સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડ, મહિલા વોર્ડ, એક્સિડન્ટ વોર્ડ, પ્રસુતિ વિભાગ અને બાલ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાજા ફળ આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક આરતી રાંકજા અને રોહન રાંકજા સહિત નિશિથ રાંકજા, ધર્મિષ્ઠા રાંકજા, શ્રુતિ રાંકજા, ડૉ. ધ્રુવી રાંકજા, ભૂમિ દેત્રોજા, ઉર્વી ઉઘરેજા, અદિતિ વિરમગામા, બંસી વીડજા, ડૉ. સાવન અઘારા અને સાવન કાનાણી જોડાયા હતા.
પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ સેવાકાર્યમાં દર્દીઓને ફળનું વિતરણ કરી તેમના સ્વાસ્થ્યલાભની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોએ સેવાકાર્ય બદલ સંસ્થાના પ્રયાસને આવકાર્યો હતો. ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદોની સેવા માટે આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.