Wednesday - Apr 22, 2026

મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર રેલવે ભરતી માટે 15 જૂને મોક ટેસ્ટ લેવાશે

મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર રેલવે ભરતી માટે 15 જૂને મોક ટેસ્ટ લેવાશે

મોરબી :  મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી આગામી તા. 15-6-2025 ને રવિવારના રોજ સવારના 10:30 થી 12 કલાક સુધી ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર રેલવેની ભરતી માટે વિનામૂલ્યે મોક ટેસ્ટ લેશે.

મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે  યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, નજર બાગ, ભડિયાદ રોડ, મોરબી ખાતે, વાંકનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે તથા હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવામાં આવશે. મોક ટેસ્ટ ઓ.એમ.આર. પદ્ધતિથી અને રેલ્વે ભરતી બોર્ડના પરીક્ષાના સિલેબસ મુજબ લેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર સવારે 10 કલાકે સ્વખર્ચે પહોંચવાનું રહેશે. આ મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોએ જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર મુકેલ લીંક પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગત તા. 18-4-2025ના રોજ જિલ્લા પંચાયત, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર મોક ટેસ્ટ યોજી હતી.જેમાં 191 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ઉમેદવારો તરફથી ખૂબ સારો પ્રતીસાદ મળેલ હતો. ઉમેદવારો દ્વારા ફરી વખત મોક ટેસ્ટ યોજવાની વિનંતી ધ્યાને લઈ ફરી વખત મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.