મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજની કામગીરી માટે પાણીની લાઇન ખસેડાશે
મોરબી : મોરબી શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન બ્રિજના પિલર બનાવવામાં પાણીની લાઇન નડતરરૂપ બનતી હોવાથી મોરબી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇન ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તા. 12 ઓક્ટોબર, સોમવારના રોજ કરવામાં આવનાર હોવાથી આ કામગીરીથી સામાકાંઠા વિસ્તારમાં આવેલા કેશરબાગ હેડવર્ક્સમાંથી થતું પાણી વિતરણ એક દિવસ માટે બંધ રહેશે. પરિણામે સામાકાંઠાના મોટા વિસ્તારમાં પાણીકાપની સ્થિતિ સર્જાશે અને પાણી વિતરણને અસર થશે. બ્રિજની કામગીરીને કારણે લેવામાં આવનારા આ પાણીકાપના પગલે સામાકાંઠા વિસ્તારના રહેવાસીઓએ અગવડતા ન પડે તે માટે અગાઉથી પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો જરૂરી બનશે. ખાસ કરીને ઘરવપરાશ અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે પાણીની વ્યવસ્થા અગાઉથી કરી લેવા નાગરિકોએ ધ્યાન આપવું પડશે. પાણીની લાઇન ખસેડવાની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ પૂર્વવત્ કરવામાં આવશે.