Saturday - Oct 10, 2026

મોરબીમાં સરકારી શાળાઓના અને જરૂરિયાતમંદ બાળકોને ‘હનુમાન અંશ’ ફિલ્મ દર્શાવી

મોરબીમાં સરકારી શાળાઓના અને જરૂરિયાતમંદ બાળકોને ‘હનુમાન અંશ’ ફિલ્મ દર્શાવી

મલ્ટીપ્લેક્સમાં નિઃશુલ્ક ફિલ્મ નિદર્શનથી બાળકોને મનોરંજન સાથે ભક્તિ, સંસ્કાર અને જીવનમૂલ્યોનો સંદેશ અપાયો

મોરબી : બાળકોમાં સંસ્કાર, સદ્વિચારો અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય તેવા આશય સાથે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં તેમજ જરૂરિયાતમંદ પરિવારોનાં બાળકો માટે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ ‘હનુમાન અંશ’નું નિઃશુલ્ક સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત બાળકોએ થિયેટરમાં ફિલ્મ નિહાળવાનો આનંદ માણ્યો હતો અને સમગ્ર અનુભવ તેમના માટે યાદગાર બન્યો હતો.

મોરબીમાં સરકારી શાળાઓના અને જરૂરિયાતમંદ બાળકોને ‘હનુમાન અંશ’ ફિલ્મ દર્શાવી

ફિલ્મ નિહાળતી વખતે બાળકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. મનોરંજનની સાથે ધાર્મિક કથા અને તેમાંથી મળતા જીવનમૂલ્યોનો પરિચય કરાવવાના પ્રયાસરૂપે આ પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, બાળકનું ભવિષ્ય માત્ર પુસ્તકોના જ્ઞાનથી જ નહીં, પરંતુ તેને મળતા સંસ્કાર, સારા અનુભવો અને જીવનમૂલ્યોથી પણ ઘડાય છે. શિક્ષણ બાળકને આગળ વધવાની ક્ષમતા આપે છે, જ્યારે સંસ્કાર તેને યોગ્ય દિશા દર્શાવે છે. સમાજના દરેક બાળકને શિક્ષણ, આનંદ અને સન્માનપૂર્વક જીવન જીવવાની સમાન તક મળવી જોઈએ. કોઈ પણ બાળકની આર્થિક પરિસ્થિતિ તેના સપના કે ખુશીઓની આડે આવવી ન જોઈએ. બાળકોને હનુમાનજીની શક્તિઓની કથાઓ સંભળાવવાની સાથે તેમની પાછળ રહેલી વિનમ્રતા, ભક્તિ, શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાભાવ જેવી બાબતો સમજાવવી પણ જરૂરી છે.