છેલ્લા પાંચ વર્ષમાં 2024માં સૌથી વધુ સપ્ટેમ્બરમાં 11.5 ઈંચ સામે પણ ચાલુ વર્ષે સરેરાશ કરતા મજબૂત સ્થિતિ છતાં પાકનું ચિત્ર ધુંધળું
(આર.બી.ન્યુઝ એનાલિસિસ રવિ બરાસર) : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વરસાદની ઘટ વચ્ચે ભાદરવો તારણહાર સાબિત થયો છે. સપ્ટેમ્બર માસમાં અંદાજે 6.2 ઈંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા પાંચ વર્ષના સપ્ટેમ્બર માસના સરેરાશ 6.38 ઈંચ કરતાં 2.8 ટકા ઓછો છે. આમ છતાં સમગ્ર ચોમાસાની સરેરાશના 100.41 ટકા વરસાદ સાથે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં મોખરે રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસના અંતે 80.66 ટકા રહેલી વરસાદની સ્થિતિ ભાદરવાના વરસાદથી 100 ટકાને પાર પહોંચી હતી. જો કે વર્ષ 2024માં સૌથી વધુ 1,087 મિમી સાથે 180,87 ટકા વિક્રમજનક વરસાદ સાથે અતિવૃષ્ટિ થઈ હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હતી. તેની સરખામણીમાં ચાલુ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થયો હોય પણ સૌરાષ્ટ્રમાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદમાં મોરબી જિલ્લો મોખરે રહ્યો છે.
2024ના ભારે વરસાદથી પાંચ વર્ષનો સરેરાશ ઊંચો
વર્ષવાર આંકડામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 2024માં સપ્ટેમ્બર માસ દરમિયાન 11.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જે અન્ય વર્ષોની સરખામણીએ ઘણો વધારે હતો. આ એક વર્ષના ભારે વરસાદને કારણે પાંચ વર્ષનો સરેરાશ ઊંચો ગયો છે. બીજી તરફ 2023માં માત્ર 3.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ, ભાદરવા માસમાં વરસાદની પેટર્ન દર વર્ષે બદલાતી રહી છે અને પાછોતરા વરસાદના પ્રમાણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
સરેરાશ 100.41 ટકા વરસાદ છતાં ખેતીમાં સિંચાઇની ભારે ખેંચ
ચાલુ વર્ષે શ્રાવણ માસના અંત સુધી મોરબી જિલ્લામાં મોસમનો 80.66 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ભાદરવાના 13 દિવસમાં પડેલા વરસાદથી મોસમની સરેરાશ પૂર્ણ થઈ 100.41 ટકા સુધી પહોંચી હતી. આમ, પાંચ વર્ષના સપ્ટેમ્બર માસના સરેરાશ કરતાં ચાલુ વર્ષનો વરસાદ થોડો ઓછો હોવા છતાં સમગ્ર ચોમાસાની સરેરાશમાં મોરબી જિલ્લો 100 ટકાનો આંક વટાવનાર સૌરાષ્ટ્રનો એકમાત્ર જિલ્લો બન્યો હતો. શરૂઆતમાં રહેલી વરસાદની ઘટ ઓગસ્ટ અને સપ્ટેમ્બરે પુરી કરી છતાં અપૂરતા વરસાદથી ખેતીમાં સિંચાઇની જબરી ખેંચ વર્તાય છે. ઉપરાંત રવીપાકમાં સિંચાઇની મુસીબત વધશે. કારણ કે મોરબી જિલ્લા દસ જળાશયોમાં સરેરાશ 62 ટકા જેટલો જળ સંગ્રહ હોય પીવા માટે અનામત રખાયો છે.
મોરબી જિલ્લામાં ભાદરવા માસના વરસાદની પાંચ વર્ષની તુલના
| વર્ષ | સપ્ટેમ્બરનો વરસાદ |
| ----------------------------- | ----------------- |
| 2022 | 5.5 ઈંચ |
2023 3.9 ઈંચ |
2024 | 11.5 ઈંચ |
2025 | 4.8 ઈંચ |
2026 | 6.2 ઈંચ |
પાંચ વર્ષનો સરેરાશ | 6.38 ઈંચ |
ચાલુ વર્ષે સરેરાશથી ઓછો વરસાદ | 0.18 ઈંચ
ટકાવારીમાં ઘટાડો | 2.8% |
ચાલુ વર્ષની ચોમાસાની સ્થિતિ
* શ્રાવણ માસના અંતે વરસાદ : 80.66%
* ભાદરવાના 13 દિવસમાં મોસમનો વરસાદ : 100.41%
* મોસમની સરેરાશ કરતાં વધુ : 0.41% વરસાદ