છ માસની ઉમેરે પોલિયોગ્રસ્ત થયા બાદ નબળી આર્થિક પરિસ્થિતિને કારણે 12 સુધી ભણી શકતા પોતાની ક્ષમતા બહારનું લેથનું મજૂરી કામ કરી આત્મનિર્ભર બન્યા
(RB NEWS સ્પે પોઝિટિવ સ્ટોરી બાય ફાઉન્ડર રવિ બરાસરા) : મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા પાસે રહેતા 52 વર્ષીય પંકજભાઈ ચકુભાઈ ઉટવાડિયા સામાન્ય વ્યક્તિની જેમ શારીરિક રીતે સક્ષમ ન હોવાથી તેમને આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર જીવન જીવવું એ હિમાલય સર જેવું કઠિન કામ હતું. કારણ કે તેઓ છ મહિનાના હતા. ત્યારે તાવની બીમારીમાં પટકાયા હતા. આથી તેમના માતાપિતા તેમને સારવાર અર્થે ત્યારની એક ખાનગી કંપનીના દવાખાના લઈ ગયા હતા. પણ સારવારમાં ક્યાંક ઉણપ રહી જતા તેઓ પોલિયોગ્રસ્ત થયા હતા . તેથી માતાપિતાએ સામાન્ય આર્થિક પરિવાર વચ્ચે પુત્રને નોર્મલ બનાવવા સારવારમાં કોઈ કચાશ રાખી ન હતી. આમ છતાં તેમને એક પગે વિકલાંગતાની જીવનભર મોટી ખોટ રહી છે. જો કે પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ધો.12 સુધી જ ભણી શક્યા હતા.પરંતુ સમજણાં થયા ત્યારથી તેઓએ ખુમારીભેર જીવન જીવવા શાળાએ અન્ય કોઈપણ જગ્યાએ જવા માટે બીજા પર નિર્ભર રહેવાને બદલે સાયકલ એક પગે પેડલ અને બીજા પેડલ ઘોડી રાખીને અવરજવર કરતા, માતાપિતા મજૂરી કામ કરતા હોય એટલે ધો 10 થી જ ટ્યુશન સહિતનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટીમાંથી અનેકજાતની ચીજો બનવવાનું મજૂરી કામ કરતા. પણ તેઓ આર્થિક રીતે પગભર થાય એ પહેલાં જ પિતાએ ફાની દુનિયા છોડી દીધી હતી. આથી ઘરની જવાબદારી તેમની શિરે આવી પડી પણ હિંમત હાર્યા વગર દ્રઢ મનોબળથી જીવનના પડકારોનો સામનો કરી તેમની ક્ષમતા ન હોવા છતાં 18 વર્ષની ઉંમરે એક લેથના કારખાના મજૂરી કામે લાગી ગયા હતા. અને ઘણીવાર લોઢાના લેથ મશીન ઉપર એક પગે ઉભા ઉભા ઘોડીના સહારે તો ક્યારેક બેઠાબેઠા આખો દિવસ લેથ વર્કનું કઠિન મજૂરી કરીને આત્મનિર્ભર બનતા યુવા વયે તેમના વિકલાંગ યુવતી સાથે લગ્ન થઈ ગયા હતા. જો કે આખો દિવસ આવું અઘરું મજૂરી કામ કરવા છતાં મહિને 12 હજારની આવકને કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં આર્થિક મુશ્કેલી પડતી હોય પણ ક્યારેય કોઈની પાસે મદદ માટે લાંબો હાથ કર્યો નથી.
શિક્ષક બનવાનું સ્વપ્ન રગદોળાયુ
પંકજભાઈ કહે છે કે, 1992માં તેઓ ધો.10 ભણતા ત્યારે બેરોજગારીની વિકરાળ સમસ્યા હતી. પરીણામે મોટા અધિકારી કે ડોકટર બનવાની લાયકાત ધરાવતા હોય એવા ઘણા વિદ્યાર્થીઓ પણ તે સમયે પીટીસી કરતા હતા. એને પરિણામે પીટીસીનું મેરીટ 85 ટકા ઉપર જતું. આમ છતાં આ મેરીટ ઉપર ટકાવારી મેળવવા માટે ઘો.10માં ખાવા પીવાનું ભાન રાખ્યા વગર દિવસના 12 કલાકથી પણ વધુ અથાક પુરુષાર્થ કર્યો હતો. પણ કુદરતે કસોટી કરવાનું ન છોડ્યું અને પંકજભાઈને ધો.10માં ઇચ્છીત પરિણામ જ ન આવ્યું હોવાથી તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન રગદોળાયુ હતું.
એક પગે પણ છગ્ગા ચોક્કા ફટકારે
પંકજભાઈને નાનપણથી ક્રિકેટ રમવાનો ગજબનો શોખ છે. નાની વયથી તેઓ શેરી ગલી અને લોકલ લેવલની અસંખ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સામાન્ય ક્રિકેટર કરતા પણ ચડિયાતું ક્રિકેટ રમ્યા છે. તેઓ મેદાનમાં પોતાની બેટીંગ વખતે એક પગે સ્થિર રહી ઘોડીના સહારે છગ્ગા ચોંકાની ભારે ફટકબાજી કરીને એવું ફાકડું ક્રિકેટ રમતા કે સ્પે કેટેગરીમાં નહિ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિઓ સાથે જ એમને ક્રિકેટનો મુકાબલો કરવાની તક મળી છે. આથી આવી અનેક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટઠ રમતનું પ્રદર્શન બદલ તેઓ મેડલ અને ટોફી પણ મેળવી ચુક્યા છે.
ખુમારીના સંસ્કારો લોહીના વારસામાંથી મળ્યા
પંકજભાઈનો એક પગ જ નાકામ હોવા છતાં પણ નાનપણથી સાયકલ ચલાવીને દરેક કામો જાતે કરવા, સામાન્ય વ્યક્તિની જેમ જ ક્રિકેટ રમવું એનાથી પણ વિશેષ આત્મનિર્ભર બનવું એ મૂળ ખુમારીના જ લક્ષણો છે. જો કે તેમને આ ખુમારીના સંસ્કારો લોહીના વારસામાંથી જ મળ્યા છે.જેમાં તેમના માતા સવિતા બા 80 વર્ષે પણ કડેઘડે છે. તેઓ આજે પણ સ્વાવલંબી જીવન જીવે છે. પોતાના દરેક કામો જાતે જ કરે છે અને આટલી ઉંમરે પણ રોજ તેઓ ચૂલો પેટાવી તાવડી પર રોટલા ઘડીને ખાઈ છે. માતાના ખુમારીના સંસ્કાર પુત્રના સાંગોપાંગ ઉતર્યા છે.