Monday - Oct 05, 2026

ઉમિયા નવરાત્રિના દાનમાંથી શિક્ષણ-સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે સેવા, 16મા વર્ષેમાં ઉમાનું આંગણું’ માં ગરબાની રમઝટ

ઉમિયા નવરાત્રિના દાનમાંથી શિક્ષણ-સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે સેવા, 16મા વર્ષેમાં ઉમાનું આંગણું’ માં ગરબાની રમઝટ

મોરબી : શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવના આયોજનનો હેતુ માત્ર નવરાત્રિની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમનો ઉપયોગ શિક્ષણ, સામાજિક સુવિધા અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે. છેલ્લા વર્ષોમાં મહોત્સવ દ્વારા વિવિધ સંસ્થાઓને લાખો રૂપિયાનું અનુદાન, પટેલ સમાજવાડીઓના નિર્માણ માટે સહયોગ તેમજ અનાથ દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવી છે. આ વર્ષે 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં પ્રવેશેલા મહોત્સવમાં પણ સેવાની આ પરંપરા આગળ ધપાવવામાં આવશે.

શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સંચાલિત શ્રી ઉમા સંસ્કાર ધામ, લજાઈ ખાતેના ભોજનાલય માટે મુખ્ય દાતા તરીકે રૂ. 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે અમદાવાદ ખાતે શ્રી આ વિદ્યાર્થી ભવનની બીજી વિંગના મુખ્ય દાતા તરીકે રૂ. 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાના કોઈપણ ગામમાં પટેલ સમાજવાડીના નિર્માણ માટે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા રૂ. 1,11,111નું કાયમી અનુદાન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટંકારા પટેલ સમાજવાડીના નિર્માણ માટે રૂ. 11,11,111નું અનુદાન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના અનેક ગામોમાં પટેલ સમાજવાડીઓના નિર્માણ માટે પણ મહોત્સવ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

આઠમની મહાઆરતીની રકમ અનાથ દીકરીઓના શિક્ષણ માટે

સેવાના આ પ્રયાસમાં અનાથ દીકરીઓના શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આઠમની મહાઆરતીના બોલમાંથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમ મોરબી જિલ્લાના અનાથ દીકરીઓના ભણતર માટે ફાળવવામાં આવશે.

ગત વર્ષે આઠમની મહાઆરતીમાંથી પ્રાપ્ત રકમમાંથી મોરબી જિલ્લાની 101 અનાથ દીકરીઓને રૂ. 21,000 લેખે કુલ રૂ. 21,21,000ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ વર્ષે પણ આ સેવાકીય પ્રવૃત્તિ આગળ ચાલુ રાખવામાં આવશે.

કોરોનાકાળમાં બે કોવિડ સેન્ટર શરૂ કરી સેવા

શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા કોરોનાકાળ દરમિયાન પણ સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. મોરબીમાં બે કોવિડ સેન્ટર શરૂ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવી હતી. સાથે જ દર્દીઓને વિનામૂલ્યે ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આમ, નવરાત્રિ મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમનો ઉપયોગ જરૂરિયાતમંદો અને સમાજલક્ષી કાર્યો માટે કરવાની પરંપરા મહોત્સવ સાથે જોડાયેલી રહી છે.

11થી 19 ઓક્ટોબર સુધી ‘માં ઉમાનું આંગણું’માં ગરબાની રમઝટ

સેવા અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ સાથે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આ વર્ષે 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો રેસીડેન્સી ગ્રાઉન્ડ ખાતે ‘માં ઉમાનું આંગણું’ નામથી નવરાત્રિનું આયોજન થશે.

11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં જાણીતા કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. જેમાં ગાયક ઋષભ અગ્રાવત, સાધના ગોસ્વામી, નારાયણ ઠાકર અને પૂનમ ગઢવી સહિતના કલાકારો સંગીત અને ગરબાની પ્રસ્તુતિ આપશે. આમ, શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં એક તરફ નવરાત્રિની ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી થશે તો બીજી તરફ મહોત્સવમાંથી મળતી દાનની રકમ દ્વારા શિક્ષણ, સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ આપવાની સેવાપરંપરા પણ આગળ ધપાવવામાં આવશે.

ઉમિયા નવરાત્રિના દાનમાંથી શિક્ષણ-સમાજવાડી અને આરોગ્ય ક્ષેત્રે સેવા, 16મા વર્ષેમાં ઉમાનું આંગણું’ માં ગરબાની રમઝટ