Wednesday - Apr 22, 2026

મોરબીમાં નવીનીકરણ પામેલા રેલવે સ્ટેશનનું લોકાર્પણ

મોરબીમાં નવીનીકરણ પામેલા રેલવે સ્ટેશનનું લોકાર્પણ

રેલવે સ્ટેશનનું  નવનિર્માણ થયું હવે તો મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં થઈ રહેલા અન્યાયને દૂર કરવાની માંગ કરાઈ

મોરબી : મોરબીના રાજાશાહી વખતના ઐતિહાસિક રેલવે સ્ટેશનને મૂળ ઢાંચાને યથાવત રાખી ભારત સરકારના અમૃત ભારત સ્ટેશન યોજના પ્રોજેક્ટ હેઠળ રૂ. 9.98 કરોડના ખર્ચે મોરબીના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને એક નવો જ આકાર આપવામાં આવ્યો છે. આ રીડેવલપમેન્ટ થયેલા મોરબીના રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનનું  નવનિર્માણ થયું હવે તો મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં થઈ રહેલા અન્યાયને દૂર કરવાની માંગ કરાઈ છે.

મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન રેલ્વે સ્ટેશનનો હેરિટેજ મોડેલ રેલવે સ્ટેશન તરીકે સુંદર વિકાસ કરવામાં આવ્યો છે. રાજાશાહી વખતના રેલવે સ્ટેશનના મૂળ ઐતિહાસિક વારસાનું જતન કરી આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી રેલવે સ્ટેશન ખાતે રૂ.9.98 કરોડના ખર્ચે પ્લેટફોર્મ ઉપર અપગ્રેડેડ સાઇનેજ બોર્ડ, કોચ સંકેત પ્રણાલીઓ અને આધુનિક ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશન કોનકોર્સ અને વેઇટિંગ એરિયામાં હેરિટેજ ટાઇલ્સનો ઉપયોગ કરી રેલવે સ્ટેશનને એક અલગ સાંસ્કૃતિક ટચ આપવામાં આવી છે. સાથે જ વિશાળ પાર્કિંગ સુવિધાઓ અને પહોળા રસ્તાઓ વધતી જતી ટ્રાફિક સમસ્યાનો અંત લાવશે. આ રીડેવલપ થયેલા રેલવે સ્ટેશનનું આજે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ વેળાએ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સ્થાનિક આગેવાનો દ્વારા લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાની રજુઆત પણ કરી હતી. આ કાર્યક્રમ વેળાએ નિવૃત આર્મી જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબીને વર્ષોથી લાંબા અંતરની ટ્રેનોની જરૂરિયાત છે. જો લાંબા અંતરની ટ્રેનો વહેલી ફાળવી હોત તો મોરબીનો વિકાસ ટોપ ગિયરમાં થયો હોત. આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત થઈ છે. પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તેથી મોરબીના રેલવે સ્ટેશનનો વિકાસ થયો હોય હવે કેન્દ્ર સરકાર વર્ષોથી મોરબીની લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં થઈ રહેલા અન્યાયને દૂર કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.