માળીયા મી.ના ખાખરેચી નજીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુગલના દામ્પત્યજીવનનો બે જ માસમાં કરુણ અંત
મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી નજીક આવેલ એક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની પરિવારમાં પત્ની સતત મોબાઈલમાં મશગુલ રહેતી હોય પતિએ જમવાનું માંગવા છતાં જમવા ન આપતા ગુસ્સે ભરાયેલ પતિએ મોબાઈલ તોડી નાખતા આ વાતનું દુઃખ લાગતા પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્ઝિશન નામના કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રાખીસિંહ નેત્રસિંહ ગોડ ઉ.વ.19 નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાખીસિંહ સતત મોબાઈલ જોતા હોય તેમના પતિ નેત્રસિંહને જમવું હોય બેથી ત્રણ વખત જમવાનું આપવા કહ્યું હતું.જો કે, તેમ છતાં રાખીસિંહે જમવાનું ન આપતા નેત્રસિંહે મોબાઈલ તોડી નાખતા રાખીસિંહને માઠું લાગતા ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, મૃતકના બે માસ પહેલા જ લગ્ન થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને આટલા ટૂંકા દામ્પત્ય જીવનમાં મોબાઈલને કારણે ખટરાગ થતા વાત આપઘાત સુધી પહોંચી જતા આ બનાવ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.