વાંકાનેરના વિશ્વકર્મા મંદિરે સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી યુવા સારથી સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ
મોરબી : જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે હેતુથી વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આગામી 25 સપ્ટેમ્બરના રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે. યુવા સારથી સંગઠનના પ્રમુખ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલાના જન્મદિવસ નિમિત્તે યોજાનારા આ કેમ્પમાં શહેરની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સહયોગી બની છે.
જીનપરા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી રક્તદાન કરી શકાશે. થેલેસેમિયા સહિતની કેટલીક તબીબી પરિસ્થિતિમાં દર્દીઓને નિયમિત રીતે રક્તની જરૂર પડતી હોય છે, ત્યારે આવા દર્દીઓ માટે રક્તનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાના હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકો રક્તદાન માટે જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવાકીય આયોજનમાં જીવદયા સેવા ગ્રુપ, ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અજરામર એક્ટિવ અસૉર્ટ, AAA ગ્રુપ વાંકાનેર, ભારત વિકાસ પરિષદ, વેલનાથ મિત્ર મંડળ, સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ, ચંદ્રમોલેશ્વર મહાદેવ મિત્ર મંડળ, અનકુંવરબા ધામ સેવા સમિતિ, બાપા સીતારામ ગ્રુપ, ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ, નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ, ગૌ રક્ષક ગ્રુપ, બાલા હનુમાન ગ્રુપ, સ્મશાન સેવા સમિતિ, બોલ બાલા ટ્રસ્ટ, શ્રમ સિદ્ધિ ગ્રુપ અને ગઢીયા હનુમાન મિત્ર મંડળ સહિતની સંસ્થાઓ જોડાઈ છે.
કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, એક વ્યક્તિનું રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે ઉપયોગી બની શકે છે, ત્યારે વાંકાનેરના વધુમાં વધુ નાગરિકો આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. કેમ્પ અંગેની વધુ માહિતી મેળવવા અથવા રક્તદાન માટે નામ નોંધાવવા માટે 8799239442 પર વોટ્સએપથી સંપર્ક કરી શકાશે.