વાવડી રોડના પેટ્રોલ પંપ પર 15 દિવસ પહેલાં બનેલી ઘટનામાં ચાર શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં ફરજ બજાવતા યુવાને પેટ્રોલ ભરાવવા આવેલી કાર આગળ લેવા કહેતા કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ ત્રણ સાગરીતો સાથે પેટ્રોલ પંપ પર પરત ફરી યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, યુવાનની જાતિ પૂછી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની તેમજ ઉપાડી જવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ઘટનાના પંદર દિવસ બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 29 ઓક્ટોબરના રોજ ફરિયાદી યુવરાજભાઈ દિલીપભાઈ પરમાર વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલ પંપ ખાતે ફરજ પર હતા. તે દરમિયાન જયભાઈ ભરતભાઈ રાબા પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. આ સમયે યુવરાજભાઈએ કાર આગળ લેવા કહેતા જય રાબા ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ થોડા સમય બાદ જય રાબા અન્ય ત્રણ શખ્સો રાજ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખને સાથે રાખીને પેટ્રોલ પંપ પર પરત આવ્યો હતો. જ્યાં જય રાબાએ લાકડાના ધોકા વડે યુવરાજભાઈના માથામાં માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ચારેય શખ્સોએ યુવરાજભાઈની જાતિ પૂછી જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવા તેમજ ઉપાડી જવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ બનાવ બાદ ભયભીત થયેલા યુવરાજભાઈને પેટ્રોલ પંપના માલિક અને અન્ય કર્મચારીઓએ હિંમત આપતાં અંતે ગઈકાલે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.