Saturday - Nov 14, 2026

મોરબીના યુવા આગેવાન સોયેબ સુમરાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણૂક

મોરબીના યુવા આગેવાન સોયેબ સુમરાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણૂક

મોરબી :ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની નવી પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબીના સક્રિય યુવા આગેવાન અને પક્ષના નિષ્ઠાવાન કાર્યકર સોયેબ સુમરા ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના 'પ્રદેશ કારોબારી સભ્ય' તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સોયેબ સુમરા અગાઉ મોરબી શહેર ભાજપમાં મંડલ કારોબારી સભ્ય સહિતની વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી ચૂક્યા છે. લઘુમતી સમાજમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને યુવાનોને પક્ષની વિચારધારા સાથે જોડવાની તેમની સક્રિય કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
પોતાની આ નિમણૂક બદલ સોયેબ સુમરાએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી, પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષશ્રી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ પ્રદેશ અને જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ" ના મંત્રને સાર્થક કરવા તેઓ મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવવા સતત કાર્યરત રહેશે.
આ નિમણૂક બદલ મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, શુભેચ્છકો અને લઘુમતી સમાજના આગેવાનો તરફથી સોયેબ સુમરા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.