Tuesday - Sep 15, 2026

હળવદના માથક ગામે વીજળીની આકાશી આફત : માતા-પુત્રના મોત, બે ભેંસના મોત

હળવદના માથક ગામે વીજળીની આકાશી આફત : માતા-પુત્રના મોત, બે ભેંસના મોત

વાડીમાં ગાજવીજ સાથે વરસાદ વચ્ચે વીજળી ત્રાટકી : 28 વર્ષીય માતા મફુબેન અને 4 વર્ષના માસૂમ પુત્ર શ્યામનું ઘટનાસ્થળે જ મોત થતા શ્રમિક પરિવારમાં હૈયાફાટ આક્રંદ

મોરબી : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વીજળી ત્રાટકતાં એક જ ગામમાં માતા-પુત્ર સહિત બે માનવ જિંદગી અને બે પશુના મોતની કરુણ ઘટના બની હતી. આકાશી વીજળીની આ ઘટનાથી વાડીમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

માથક ગામની સીમમાં આવેલી વાડીમાં મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ માથક ગામે વાડી ભાડે રાખી ખેતમજૂરી કરતા રાકેશભાઈ નાયકનો પરિવાર રહેતો હતો. દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડતો હતો ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળીની ઝપેટમાં આવતા રાકેશભાઈની પત્ની મફુબેન રાકેશભાઈ નાયક, ઉં.વ. 28, અને તેમનો માત્ર 4 વર્ષનો માસૂમ પુત્ર શ્યામ રાકેશભાઈ નાયક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

એક તરફ રોજીરોટી માટે વાડીમાં મહેનત કરતા શ્રમિક પરિવારની માતા અને માસૂમ પુત્રનું એકસાથે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, તો બીજી તરફ આ જ ગામમાં વીજળીની બીજી ઘટનામાં કાનાભાઈ ઠાકોરની બે ભેંસોના પણ મોત થયા હતા. આમ, માથક ગામમાં આકાશી વીજળીની એક કરુણ આફતે એક જ વિસ્તારમાં બે માનવ જિંદગી સાથે બે પશુના જીવ પણ છીનવી લીધા હતા. ખાસ કરીને ચાર વર્ષના માસૂમ શ્યામનું માતા સાથે વીજળીની ઝપેટમાં આવી જતાં મોત થતાં સમગ્ર ઘટનાએ કરુણતા વધારી દીધી હતી.