વિદ્યાર્થીઓને ભણાવવાના સમયના ભોગે સતત માહિતી-ફોટા અપલોડ કરાવાતા હોવાની શિક્ષકોમાંથી ફરિયાદ : પાંચ મિનિટનું કામ સર્વર-નેટની સમસ્યાથી પચાસ મિનિટે પહોંચતું હોવાનો આક્ષેપ
મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પાસે શિક્ષણ ઉપરાંત વિવિધ બિન શૈક્ષણિક સરકારી એપ અને પોર્ટલ પર સતત ઓનલાઇન કામગીરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, એક જ વિદ્યાર્થીની વિગતો અલગ-અલગ પોર્ટલ પર વારંવાર ભરવાની સાથે ફોટા, દસ્તાવેજો અને માહિતી અપલોડ કરવાની કામગીરીમાં શિક્ષણનો કિંમતી સમય વપરાઈ રહ્યો છે. પરિણામે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય આપી શકાતો ન હોવાનો કચવાટ શિક્ષકોમાં જોવા મળી રહ્યો છે.
શિક્ષકોના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સિટીએસ પોર્ટલ પર નવા વિદ્યાર્થીઓની આશરે ૫૬ પ્રકારની માહિતી અને જૂના વિદ્યાર્થીઓની એટલી જ વિગતો સુધારવાની થાય છે. આ જ પ્રકારની માહિતી યુડાયસ પ્લસમાં ફરીથી ભરવાની હોવાથી બંને પોર્ટલને એક સાથે જોડવામાં આવે તો કામગીરી ઘટી શકે તેવી માંગ છે. અપાર ઓળખપત્ર માટે આધારકાર્ડ અને શાળાના રેકોર્ડમાં નામ સરખું ન હોય તો પ્રક્રિયા અટકી રહે છે. ડિજિટલ ગુજરાત પર ધોરણ ૧થી ૫ માટે રૂ. ૧૬૫૦ અને ધોરણ ૬થી ૮ માટે રૂ. ૧૯૫૦ની શિષ્યવૃત્તિની દરખાસ્ત માટે અગાઉથી રહેલી વિગતો ફરી ભરવી પડતી હોવાની ફરિયાદ છે. આ વર્ષે વિદ્યાર્થીઓના મોબાઇલ નંબર અને ઇ-મેઇલ જેવી નવી વિગતો પણ ફરજિયાત કરાઈ હોવાનું શિક્ષકો કહે છે અને આ કામગીરી આખું વર્ષ ચાલતી રહે છે.
પગારથી માંડી ગ્રાન્ટ સુધી બેવડી કામગીરી
શિક્ષકોના પગાર બિલ માટે એસએએસ અને પ્રેશા એમ બે અલગ વ્યવસ્થામાં કામગીરી કરવી પડતી હોવાની ફરિયાદ છે. જ્યારે કર્મયોગી પર આવકની વિગતો અપલોડ કરવાની થાય છે, તો આઈ ગોટ કર્મયોગી અને દીક્ષામાં વિવિધ તાલીમ લેવાની રહે છે. શાળાની ગ્રાન્ટ માટેની એસએનએ સ્પર્શ વ્યવસ્થામાં મેકર અને ચેકર એમ બે અલગ પ્રવેશથી વેપારીની વિગતો, બે હિસ્સાના બિલ, મંજૂરી, પત્રો અને નકલો તૈયાર કરવાની પ્રક્રિયા કરવી પડે છે. શિક્ષકોના જણાવ્યા મુજબ રૂ. ૫૦૦ની ખરીદીના બિલ માટે પણ મોટી સંખ્યામાં પાનાં તૈયાર કરી સહી-સિક્કા સાથે કચેરી સુધી જવું પડે છે. દૂરની શાળાના આચાર્યને માત્ર નાની રકમના બિલ માટે પણ જિલ્લા કચેરી સુધી આવવા-જવાનો સમય અને ખર્ચ થાય છે. અગાઉની પીએફએમએસ વ્યવસ્થા સરળ હતી તેવી પણ શિક્ષકોની ફરિયાદ છે.
શિક્ષણ ઉપરાંત પ્રવૃત્તિઓની લાંબી યાદી
પ્રશસ્તમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો તથા સમાવિષ્ટ શિક્ષણની તાલીમ, ખેલ મહાકુંભ માટેની નોંધણી, નવીનતા મેળો માટે પ્રોજેક્ટની નોંધણી, એક પેડ એક નામ હેઠળ વૃક્ષારોપણના ફોટા, એસએચવીઆર પર શાળા સફાઈ, સ્વચ્છતા અને વૃક્ષારોપણની માહિતી અપલોડ કરવાની કામગીરી રહે છે. સ્વીફ્ટચેટમાં શિક્ષકો-વિદ્યાર્થીઓની હાજરી તેમજ ત્રિમાસિક અને સત્રાંત સહિતની પરીક્ષાના ગુણ ભરવાના રહે છે. નિપુણ ભારત અંતર્ગત વાંચન, લેખન અને ગણનાના ગુણની નોંધણી કરવી પડે છે. જ્ઞાનસેતુમાં ધોરણ ૫ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે નોંધણી, પ્રવેશપત્ર અને પરિણામની કામગીરી તથા ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓના બેંક ખાતા, આધારકાર્ડ, આવક-જાતિના દાખલા અને શાળા પ્રમાણપત્ર જેવી વિગતો અપલોડ કરવાની રહે છે. તેવી જ પ્રક્રિયા જ્ઞાન સાધનામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે કરવાની થાય છે.
શિક્ષક અને શાળાની વિગતો પણ અલગ-અલગ
શિક્ષક પોર્ટલ પર શિક્ષકોની વિગતો ઉપરાંત શાળાની ભૌતિક સુવિધા, શિક્ષક અને વિદ્યાર્થીની વિગતો ભરવાની રહે છે. એસએએસમાં પણ શિક્ષકની પ્રોફાઇલ સહિતની વિગતો ભરવાની થાય છે. એસક્યુએએએફમાં ગુણોત્સવ માટે આશરે ૨૦૦ જેટલા આધાર, માહિતી-પત્રકો અને ફોટા સાથે ૬૯ પ્રશ્નોના જવાબ તૈયાર કરવા પડે છે. શિક્ષકોના જણાવ્યા મુજબ આ પ્રક્રિયામાં લગભગ એક મહિના જેટલો સમય લાગી શકે છે. જ્યારે પીએમશ્રી એસક્યુએએએફમાં આશરે ૧૦૦ આધાર અને ૩૯ પ્રશ્નોની માહિતી-પત્રકો તથા ફોટા સાથે તૈયાર કરવાની કામગીરી રહે છે.