Monday - Jun 01, 2026

મોરબીમાં ભૂલી જવાની બીમારીને લીધે વૃદ્ધા પરિવારથી વિખુટા પડયા

મોરબીમાં ભૂલી જવાની બીમારીને લીધે વૃદ્ધા પરિવારથી વિખુટા પડયા

181 અને 112 ટીમે પરિવારની શોધખોળ કરીને વૃદ્ધાને સુરક્ષિત રીતે પહોંચાડ્યા

મોરબી : મોરબીમા 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમના સઘન પ્રયાસોથી એક વૃદ્ધાની જિંદગી રોળાતા બચી હતી. જેમાં મૂળ યુપીનો એક પરિવાર મોરબીના એક કારખાનામાં રોજીરોટી અર્થે આવ્યા બાદ આ પરિવારના વૃદ્ધા મોટી ઉંમરને કારણે ભૂલી જવાની બીમારીનો શિકાર બનતા તેઓ આ બીમારીને કારણે પરિવારથી જુદા પડી ગયા હતા. તેથી અધવચ્ચે રસ્તો ભૂલી જવાથી અણધારી આફત વખતે વૃદ્ધા માટે 181 અભયમની ટીમ તારણહાર બનીને વ્હારે આવી હતી.

મોરબીમાં એક મોટી ઉંમરના વૃદ્ધ મહિલા એકલા અટૂલા અને ખૂબ જ મુંઝાયેલા હોય તેઓ સારા ઘરના દેખાતા હોય પણ પરિવારથી વિખુટા પડી ગયા હોય એવું લાગતા એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને કોલ કરીને વૃદ્ધાની વ્હારે આવવા મદદનો પોકાર કર્યો હતો. આ બનાવની ગંભીરતાને લઈને 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અભયમની ટીમે પ્રથમ વૃદ્ધાને સાંત્વના આપી તેમની હાલત તેમજ પરિવાર અને સરનામાં સહિતની અગત્યની માહિતી મેળવવાની કોશોશ કરી હતી.પરંતુ મોટી વય હોવાથી આ વૃદ્ધા કોઈપણ પ્રકારની માહિતી આપવા અસમર્થ લાગ્યા હતા. આમ છતાં પણ આ વૃદ્ધાને તમામ રીતે મદદરુપ થવા પ્રયાસો ચાલુ રાખીને તેમના પરિવારની યોગ્ય જાણકારી મેળવવા અભયમ ટીમે તાત્કાલિક 112 જનરક્ષક ટીમની મદદ લીધી હતી. બાદમાં બન્ને ટીમોએ સંયુક્ત રીતે ટેકનિકલ માધ્યમો અને સ્થાનિક સ્તરે ભારે શોધખોળ કરતા અંતે તેમના પરિવારનો પત્તો મળ્યો હતો. બાદમાં આ પરિવારની પૂછપરછ કરતા એ હકીકત સામે આવી હતી કે, તેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને રોજગારી અર્થે મોરબીના એક કારખાનામાં મજૂરી કામ કરે છે. પરિવારના સભ્યો કામે ગયા હતા ત્યારે માજી અલ્ઝાઈમર એટલે ભૂલી જવાની બીમારીના કારણે અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારે પણ તેમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ ભાળ મળી ન હતી. બંને ટીમોએ વૃદ્ધાને સહી-સલામત પરિવારને સોંપીને ભવિષ્યમાં તેમની વિશેષ કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.