વર્ષોથી લટકતા વિકાસના કામો ચોમાસા પહેલા શરૂ કરવા પૂર્વ કાઉન્સિલરની મેયર અને કમિશનરને રજૂઆત
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસના કામો અધ્ધરતાલ રહ્યા છે. આ વોર્ડ નબરમાં આવતા અનેક શ્રમજીવી વિસ્તારોમા પાકા રોડ, ભૂગર્ભ ગટર સહિતના અનેક વિકાસના વર્ષોથી અટકેલા હોય ઉપરથી અપૂરતી સફાઈને કારણે આગામી ચોમાસામાં પરિસ્થિતિ દરેક વખતની જેમ બેકાબુ બને તેવી ભીતિ સેવાય રહ્યું છે. તેથી ચોમાસા પહેલા બાકી રહેલા તમામ કામો સત્વરે ચાલુ કરવા પૂર્વ કાઉન્સિલરે મેયર અને કમિશનરને રજૂઆત કરી છે.
મોરબી સામાકાંઠે આવેલા વોર્ડ નંબર 5 ના જુદા જુદા વિસ્તારોમાં ઘણા વિકાસના કામો હજુ થયા નથી. દરમિયાન ચોમાસું માથે તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ગટરો ચોકઅપને લીધે સામાન્ય વરસાદમાં પાણી ભરાવવા તેમજ અમુક વિસ્તારોમાં જ્યાં રોડ ન હોય ત્યાં રબડી રાજનું આધિપત્ય સ્થપાઈ જતું હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા તથા પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, નવા વિસ્તાર પોટરી ફાટકથી ભડીયાદ જવાના રસ્તે રોડ બનાવવાનું કામ, જીવરાજ પાર્ક અને બૌદ્ધનગરમાં રોડ બનાવવાના તેમજ ભૂગર્ભ ગટરના જે કામો બાકી છે, ત્યાં સર્વે કરી તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત, સો-ઓરડી વેલનાથ ચોકથી નેશનલ હાઇવે સુધી, પોટરી શાળાથી અંબિકા ચોક સુધી તેમજ ચક્કર વાળો રોડ અને જવાહર સોસાયટી સહિત વોર્ડ નંબર 5 ના તમામ વિસ્તારોમાં વિકાસના કામો વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.