Friday - Jun 26, 2026

માળીયામાં શખ્સે મોજ મસ્તી માટે ચોરીનો શોર્ટકર્ટ અપનાવ્યો, ને પોલીસના હાથે ઝડપાયો

માળીયામાં શખ્સે મોજ મસ્તી માટે ચોરીનો શોર્ટકર્ટ અપનાવ્યો, ને પોલીસના હાથે ઝડપાયો

કાજરડા રોડ પર શંકાસ્પદ બાઈક સાથે નીકળેલા શખ્સની પૂછતાછમાં બે વાહનચોરીના ભેદ ખુલ્યા

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાજરડા ગામ જવાના રસ્તે શંકાસ્પદ રીતે બાઈક લઈને પસાર થતા શખ્સને અટકાવી પૂછતાછ કરતા હળવદ અને મોરબી તાલુકામાં થયેલી બે મોટર સાયકલ ચોરીના બનાવના ભેદ ખુલ્યા હતા.પોલીસે આરોપીના કબ્જામાંથી બે વાહન કબ્જે કર્યા હતા. પોલીસની પૂછતાછમાં આરોપી કોઈ કામધંધો કરતો ન હોય મોજમજા કરવા માટે વાહન ચોરી કરી વેચી નાખતો હોવાનું સામે આવ્યું છે.

માળીયા મિયાણા પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન કાજરડા ગામ જવાના રસ્તેથી શંકાસ્પદ રીતે પસાર થતા આરોપી અસગર રમઝાનભાઈ મોવર રહે.કાજરડા વાળાને અટકાવી બાઇકના કાગળો માંગતા આરોપી ફર્યું ફર્યું બોલતો હોય પોકેટ કોપ એપમાં મારફતે ડિટેઇલ ચેક કરી આરોપીને પોલીસ મથકે લઈ જઈ પૂછતાછ કરતા આ બાઈક હળવદ તાલુકાના માથક ગામેથી ચોરી કર્યાનું કબુલ કરી અન્ય એક એક્ટિવા મોટર સાયકલ જેતપર ગામેથી ચોરી કર્યાનું કબુલતા પોલીસે આરોપીના કબ્જામાંથી બન્ને વાહન કબ્જે કર્યા હતા.વધુમાં આરોપીએ પૂછતાછમાં કબુલ્યું હતું કે, પોતે કોઈ કામધંધો કરતો ન હોય વાહન ચોરી કરી મોજ મજા કરતો હતો.હાલમાં પોલીસે બન્ને વાહનો કબ્જે કરી આરોપીને હળવદ અને મોરબી તાલુકા પોલીસને હવાલે કરવા તજવીજ શરૂ કરી છે.