Saturday - Jul 04, 2026

મોરબી શહેરના ગણેશ પંડાલોને મળશે લાખોના ઇનામ

મોરબી શહેરના ગણેશ પંડાલોને મળશે લાખોના ઇનામ

સ્પર્ધામાં ભાગ લઈને જીતશે લાખોના ઇનામ.

મોરબી:- મોરબી શહેરમાં હાલ ગણેશ મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ગણેશ ઉત્સવ ઉજવતા દરેક પંડાલો માટે ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

ગણેશ મહોત્સવની ઉજવણીની વાત કરીએ તો ગણેશ ઉત્સવ દરમિયાન દેશભક્તિ અને સામાજિક સંદેશો પ્રસરે તેવા આયોજન કરવા જિલ્લા કલેકટર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે તેઓએ સરકાર દ્વારા આયોજિત ગણેશ પંડાલ સ્પર્ધામાં ભાગ લેવા માટે આયોજકોને પણ અપીલ કરી છે.

જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ પહેલા મહારાષ્ટ્ર ખાતે ઉજવાતો હતો હવે તે મહારાષ્ટ્રની સીમાઓ વટાવીને દેશના ઘણા બધા રાજ્યોમાં ઉજવાય છે, જેમાં રાજ્ય સરકારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને લોકોમાં ગણેશ મહોત્સવની સાથે દેશ પ્રેમની ભાવના પણ જાગૃત રહે તેના માટે ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમે આવનાર ગણેશ પંડાલને રૂપિયા 5 લાખ અને દ્વિતીય ક્રમે આવનાર રૂપિયા 3 લાખ અને તૃતીયક્રમે આવનારને રૂપિયા 1.5 લાખનું ઇનામ આપવાનું નક્કી કર્યું છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે આના માટે કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકામાં કમિશનર અધ્યક્ષ હશે, જિલ્લાની કમિટીમાં કલેકટર અધ્યક્ષ હશે, પંડાલના આયોજકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જે લાલબાગ ખાતે આવેલી છે ત્યાંથી એક ફોર્મ મેળવી લેવાનું અને ત્યારબાદ એ ફોર્મ ભરીને ત્યાં જમા કરવાનું રહેશે અને આ ફોર્મ ની વિગતો પરથી અમારી ટીમ પંડાલની મુલાકાત લેશે, બાદમાં તમામ વિગતો રાજ્ય સરકારને પણ મોકલવામાં આવશે ત્યારબાદ ત્યાંથી વિજેતાઓ નક્કી કરવામાં આવશે.