Thursday - Sep 24, 2026

મોરબીની મયુર હોસ્પિટલમાં 10 ઓક્ટોબરે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ

મોરબીની મયુર હોસ્પિટલમાં 10 ઓક્ટોબરે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ

રાજકોટ એઈમ્સના 40 જેટલા નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ આરોગ્ય તપાસ-સારવાર કરશે

મોરબી : મોરબી જિલ્લામાં નાગરિકોને નિઃશુલ્ક નિષ્ણાત તબીબી સેવા મળી રહે તે માટે આગામી 10 ઓક્ટોબર, શનિવારે સવારે 8 વાગ્યાથી મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. રાજકોટ એઈમ્સના આશરે 40 જેટલા નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ દ્વારા કેમ્પમાં તબીબી તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની સેવા પૂર્ણ થવાના અનુસંધાને યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે પ્રચાર-પ્રસાર અને જરૂરી વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

કેમ્પની તૈયારીઓ અંગે કલેકટર કચેરી ખાતે કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં રાજકોટ એઈમ્સના ડિરેક્ટર તથા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન આવનાર દર્દીઓને તબીબી તપાસ અને જરૂરી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નશામુક્તિ અભિયાન અંગે પણ ચર્ચા

બેઠકમાં મોરબી જિલ્લામાં નશામુક્તિ અભિયાન હાથ ધરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત પોલીસ, આરોગ્ય વિભાગ અને સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓને જોડવા અંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ સૂચન કર્યું હતું.

બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. અનિલ બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રકાશ દુધરેજીયા, જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર શ્રીવાસ્તવ સહિત આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.