ચોરાયેલું 92 બાચકા જીરૂ અને બોલેરો પિકઅપ સહિત રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબજે :
મોરબી : મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની થયેલી ચોરીનો ભેદ મોરબી એલ.સી.બી.એ ગણતરીના દિવસોમાં ઉકેલી ચાર આરોપીઓને ચોરાયેલા જીરૂ તથા બોલેરો પિકઅપ સહિત રૂ.12.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસ આગળ ધપાવી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં તા.18 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી અને તેમના ત્રણ ભાઈઓની સંયુક્ત ખેતીની ઉપજનું જીરૂ ચરાડવા સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. જેમાં 102 બાચકામાં કુલ 280 મણ જીરૂ ભરેલું હતું, જેની કિંમત રૂ.10.54 લાખ જેટલી હતી. તા.15 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યા પહેલાં અજાણ્યા શખ્સો ગોડાઉનમાંથી સમગ્ર જથ્થો ચોરી ગયા હોવાનું સામે આવતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જીરૂનો મોટો જથ્થો ચોરાયો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી. વણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા મળેલી સૂચના બાદ મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી-ચરાડવા-હળવદ રોડ પર આઈ.ટી.આઈ. સામે આવેલા જી.ઇ.બી. સબસ્ટેશન પાછળના ઝૂંપડા પાસે તપાસ કરતા ચોરાયેલા મુદ્દામાલ સાથે ચાર શખ્સો મળી આવ્યા હતા. પોલીસે સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી, સુનિલ મુકેશભાઇ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઇ વિરમગામીયા અને રાહુલ વિજયભાઇ દસકીયાને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલા જીરૂમાંથી 92 બાચકા, કુલ 231 મણ, કિંમત રૂ.8.77 લાખ ઉપરાંત સફેદ રંગની બોલેરો પિકઅપ ટ્રક નં. GJ-17-UU-5175, કિંમત રૂ.4 લાખ તથા એક તાલપત્રી મળી કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને હળવદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ગુનામાં અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઇ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો અને વાધજી નામના ત્રણ શખ્સો હજુ પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. અરવિંદ સોલંકી મોરબીનો રહેવાસી અને મૂળ અમરેલી જિલ્લાના દેવળીયાનો, વિશાલ ઉર્ફે ભદો મોરબીનો તથા વાધજી ટંકારાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ પૈકી સુરજભાઇ સોલંકી વિરુદ્ધ અગાઉ મોરબી સિટી એ ડિવિઝન, મોરબી તાલુકા, રાજકોટ સિટી એરપોર્ટ અને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન, જી.પી.એક્ટ અને ચોરી સહિતના કુલ સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે સુનિલ સોલંકી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ચોરી તથા મોરબી સિટી એ ડિવિઝનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ એક-એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ યાદીમાં જણાવાયું છે. બાકીના આરોપીઓની ભૂમિકા અને ચોરીના જથ્થાની હેરફેર અંગે તપાસ ચાલી રહી છે.