દાયકામાં સૌથી વધુ 2024માં 40.2 ઇંચ અને સૌથી ઓછો 2018માં માત્ર 5.2 ઇંચ : ચાલુ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં જ સરેરાશ કરતાં 4થી 5 ઇંચ વધુ વરસાદ
(રવિ બરાસરા) : માળીયા મિયાણા તાલુકામાં છેલ્લા દસ વર્ષમાં વરસાદની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે. 2016થી 2025 દરમિયાન કુલ 6,363 મીમી વરસાદ નોંધાતા દાયકાની સરેરાશ 636.3 મીમી એટલે આશરે 25.1 ઇંચ રહે છે, જ્યારે ચાલુ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં જ આશરે 730થી 750 મીમી એટલે 29થી 30 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આમ, ચાલુ વર્ષનો વરસાદ દાયકાની સરેરાશ કરતાં આશરે 4થી 5 ઇંચ વધુ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ દાયકામાં 2024માં 1,022 મીમી એટલે 40.2 ઇંચ સાથે સૌથી વધુ અને 2018માં માત્ર 134 મીમી એટલે 5.2 ઇંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. રણકાંઠાના વિસ્તારમાં આવેલા માળીયાની વરસાદી ઓળખમાં છેલ્લા વર્ષોમાં આવેલા આ મોટા ફેરફારની આંકડાઓ પરથી સ્પષ્ટ છાપ જોવા મળે છે.
2016થી 2025 સુધીના દસ વર્ષના વરસાદના આંકડા જોતા માળીયાની વરસાદી સ્થિતિ એકસરખી રહી નથી. દસ વર્ષનો સરેરાશ વરસાદ ૬૩૬.૩ મીમી રહે છે, જ્યારે આ સમયગાળામાં પાંચ વર્ષ આ સરેરાશથી ઓછા અને પાંચ વર્ષ વધુ વરસાદવાળા રહ્યા છે. એટલે માળીયામાં માત્ર ઓછા વરસાદવાળા વર્ષોની જ પેટર્ન રહી નથી, પરંતુ સાત વર્ષમાં ભારે અને અતિભારે વરસાદે પણ સમગ્ર ચોમાસાની સ્થિતિ ઉજળી કરી નાખી છે. વિગતવાર આંકડા જોઈએ તો ૨૦૧૬માં ૩૮૫ મીમી, ૨૦૧૮માં માત્ર ૧૩૪ મીમી એ બે વર્ષ જ સૌથી ઓછા વરસાદ ધરાવતા રહ્યા છે. જેમાં ૨૦૧૭માં ૬૭૦ મીમી જેટલા ભારે વરસાદથી શુભ શરૂઆત થયા બાદ એક વર્ષ 2018 નબળું રહ્યું હતું. પરંતુ ૨૦૧૯માં ૮૧૪ મીમી અતિ ભારે વરસાદ થતાં વરસાદની આખી તાસીર જ બદલાઈ ગઈ હતી. અકડાવાઇઝ જોઈએ તો ૨૦૨૧માં ૫૧૦ મીમી, ૨૦૨૩માં ૬૨૫ મીમી અને ૨૦૨૫માં ૫૪૦ મીમી, ૨૦૨૦માં ૯૭૮ મીમી, ૨૦૨૨માં ૬૮૫ મીમી અને ૨૦૨૪માં ૧,૦૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. આ આંકડા પરથી માળીયાની વરસાદી ઓળખ માત્ર ‘ઓછા વરસાદવાળા તાલુકા’ પૂરતી સીમિત રહી નથી.
દસ વર્ષની સરેરાશ સામે છેલ્લું વર્ષ કેટલું બદલાયું?
૨૦૧૬થી ૨૦૨૫ દરમિયાન કુલ ૬,૩૬૩ મીમી વરસાદ નોંધાયો હતો, જેનો દસ વર્ષનો સરેરાશ ૬૩૬.૩ મીમી થાય છે. તેની સામે ૨૦૨૫માં ૫૪૦ મીમી વરસાદ નોંધાતા તે દસ વર્ષના સરેરાશ કરતાં ૯૬.૩ મીમી એટલે કે ૧૫.૧ ટકા ઓછો રહ્યો હતો. જોકે સરકારી સામાન્ય સરેરાશ ૪૮૯થી ૫૦૦ મીમીની આસપાસ માનવામાં આવે છે, તેની તુલનામાં ૨૦૨૫નો વરસાદ હજુ પણ સામાન્ય સરેરાશ કરતાં ઉપર રહ્યો હતો.
વરસાદી પેટર્નમાં શું બદલાયું ?
આંકડા સૌથી મોટું ચિત્ર એ દર્શાવે છે કે માળીયામાં વરસાદ હવે દર વર્ષે ઓછો રહે છે એવું કહી શકાય તેમ નથી. એક તરફ ૨૦૧૮માં માત્ર ૧૩૪ મીમી વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ માત્ર બે વર્ષ બાદ ૨૦૨૦માં ૯૭૮ મીમી અને ૨૦૨૪માં ૧,૦૨૨ મીમી વરસાદ નોંધાયો હતો. એટલે ઓછા વરસાદ અને ભારે વરસાદ વચ્ચેનું અંતર પણ નોંધપાત્ર બન્યું છે. દસ વર્ષમાં પાંચ વર્ષ દસ વર્ષના સરેરાશથી નીચે અને પાંચ વર્ષ ઉપર રહેતા વરસાદની પેટર્નમાં સ્પષ્ટ વધઘટ જોવા મળે છે.
2024માં સૌથી વધુ 40 ઇંચથી જેવો રેકોર્ડ બ્રેક વરસાદ
માળીયા મિયાણાના દસ વર્ષના વરસાદી આંકડાની સમીક્ષા કરીએ તો 2016 વર્ષથી 2015 સુધીમાં 2024માં સૌથી વધુ રેકોર્ડ બ્રેક વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 2024માં સૌથી વધુ 1,022 મિમી એટલે 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા. મચ્છુ નદીના કાંઠાના ઘણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુર જેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.
2019 અને 2019માં પણ ભારે વરસાદ
2024માં સૌથી વધુ વરસાદ નોંધાયા બાદ પછીના વર્ષ 2020માં પણ 978 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ 2019માં પણ ભારે વરસાદ પડ્યો હતો. એટલે 2019માં પણ 814 મીમી વરસાદ સાથે ચોમાસું સામાન્ય સરેરાશથી ઘણું ઉપર રહ્યું હતું. આ રીતે સતત ત્રણ વર્ષ સુધી અતિ ભારેથી માંડીને વરસાદની હેલી થવાથી વરસાદ માટે કાયમ તરસ્તા માળીયા પંથકની સામાન્ય વરસાદી ઓળખથી તદ્દન અલગ વરસાદની મજબૂત સ્થિતિવાળા વિસ્તાર તરીકે ગણના થવા લાગી છે.
2018 માં સૌથી ઓછો માત્ર ૫ ઇંચ વરસાદથી દુષ્કાળ પડ્યો
2018નું વર્ષ માળીયા મિયાણા તાલુકા માટે દસ વર્ષના ગાળામાં સૌથી ઓછા વરસાદ ધરાવતું રહ્યું હતું. સમગ્ર ચોમાસામાં માત્ર 134 મીમી એટલે કે આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી દાયકામાં સૌથી ઓછા વરસાદથી એ વર્ષે માળીયામાં દુષ્કાળ પડ્યો હતો. લોકો અને પશુધનને પીવા માટે પાણીના વલખા મારવા પડતા હોય ત્યાં સિંચાઈ માટે પાણી ક્યાંથી મળે એટલે ખેતી માટે આ વર્ષ સૌથી વધુ નબળું રહ્યું હતું. પાક નિષ્ફળ ગયો અને એના બીજા વર્ષે વિપરિત સ્થિતિ એટલે અતિવૃષ્ટિ સર્જાઈ હતી.
મોરબી કરતા પણ ચાલુ વર્ષે માળીયામાં વધુ 30 ઈંચ વરસાદ
વરસાદની વર્ષોની પેટર્ન મુજબ માળીયા કરતા વર્ષોથી મોરબીમાં વધુ વરસાદ થાય છે. છેલ્લા દસ વર્ષમાં આ વખતે અત્યાર સુધીમાં માળીયા બાજી મારી ગયું છે. જેમાં મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે (૧ જૂન ૨૦૨૬ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી) કુલ ૫૮૩.૬ મીમી એટલે આશરે ૨૩ ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સામે ચાલુ વર્ષ ૨૦૨૬ માળિયા (મીયાણા) તાલુકામાં અત્યાર સુધીમાં આશરે ૭૩૦ mm થી ૭૫૦ mm આશરે ૨૯ થી ૩૦ ઇંચ જેટલો કુલ પ્રગતિશીલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.મોરબી જિલ્લામાં તાલુકાવાર વરસાદની સરખામણી ટંકારા પછી બીજા ક્રમે સૌથી વધુ વરસાદ મેળવવામાં માળિયા (મીયાણા) આવે છે.
માળીયા-મિયાણા તાલુકામાં 10 વર્ષનો વરસાદ:
(2016 થી 2025 સુધી)
વર્ષ કુલ વરસાદ ઇંચમાં અંદાજ સ્થિતિ
2016 385 મિમી 15.1 ઇંચ ઓછો વરસાદ
2017 670 મિમી 26.3 ઇંચ વધુ વરસાદ
2018 134 મિમી 5.2 ઇંચ અતિ ઓછો
2019 814 મિમી 32.0 ઇંચ અતિ ભારે
2020 978 મિમી 38.5 ઇંચ અતિ ભારે / રેકોર્ડ બ્રેક
2021 510 મિમી 20.0 ઇંચ સામાન્ય
2022 685 મિમી 27.0 ઇંચ વધુ વરસાદ
2023 625 મિમી 24.6 ઇંચ વધુ વરસાદ
2024 1,022 મિમી 40.2 ઇંચ અત્યંત ભારે
2025 540 મિમી 21.2 ઇંચ સામાન્ય
ખાસ નોંધ:
સૌથી ઓછો વરસાદ: 2018માં માત્ર 134 મિમી
સૌથી વધુ વરસાદ: 2024માં 1,022 મિમી
2019 અને 2020: સતત બે વર્ષ ભારે વરસાદ
2024: 10 વર્ષમાં સૌથી વધુ વરસાદ
2025: 540 મિમી સાથે સામાન્ય વરસાદ