Sunday - Oct 25, 2026

મોરબીના જેતપર સીરામીક ઝોનમાં મેઈન્ટનના નામે ફરી આજે 9 કલાકનો વીજકાપ

મોરબીના જેતપર સીરામીક ઝોનમાં મેઈન્ટનના નામે ફરી આજે 9 કલાકનો વીજકાપ

દિવાળીના ટાણે સીરામીક ઉદ્યોગ પર મુશ્કેલીઓનો માર, ગેસના ભાવવધારા બાદ વીજકાપથી ઉત્પાદન ખોરવાશે

મોરબી : જેતપર સીરામીક ઝોનમાં આજે શનિવારે વીજ લાઇનની જાળવણી કામગીરીને પગલે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના 66 કેવી બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી એવીટીસી ઇન્ડસ્ટ્રિયલ ફીડરમાં જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક એચ.ટી. વીજજોડાણોમાં વીજકાપ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ અલગ જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે, તેમ જેતપર ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરે જણાવ્યું છે.

બીજી તરફ, જેતપર સીરામીક ઝોનમાં વારંવાર જાળવણીના નામે વીજકાપ લાદવામાં આવતો હોવાની સીરામીક ઉદ્યોગકારોની ફરિયાદ છે. વારંવાર વીજપુરવઠો ખોરવાતાં સીરામીક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી રહી છે. એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધ બાદ સર્જાયેલી ગેસની કટોકટીની અસરો હજુ સંપૂર્ણપણે થાળે પડી નથી, ત્યાં ગેસના ભાવમાં અઠવાડિયે વધારો થતો હોવાની સ્થિતિએ ઉદ્યોગકારોની મુશ્કેલી વધારી છે. આ ઉપરાંત કન્ટેનરનાં ભાડાંમાં વધારો અને નિકાસ લગભગ બંધ જેવી સ્થિતિને કારણે સીરામીક ઉદ્યોગ પહેલેથી જ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ત્યારે દિવાળીના ટાણે ઉત્પાદન જાળવી રાખવું ઉદ્યોગકારો માટે પડકારરૂપ બન્યું છે. આવા સંજોગોમાં વારંવારના વીજકાપથી ઉત્પાદનના આયોજનમાં વિક્ષેપ પડતાં ઉદ્યોગની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ ખર્ચનો બોજ સતત વધી રહ્યો છે અને બીજી તરફ નિકાસ બજારમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વીજપુરવઠામાં પણ વિક્ષેપ પડતાં દિવાળીના ટાણે સીરામીક ઉદ્યોગ માટે મુશ્કેલીઓની હોળી સર્જાઈ હોવાની લાગણી ઉદ્યોગકારોમાં જોવા મળી રહી છે.