Sunday - Oct 18, 2026

પ્રજાકલ્યાણ અને પરોપકારની અમર મૂર્તિ: મોરબી રાજમાતા સાહેબ મહારાણી વિજયકુવરબા સાહેબનું અજોડ યોગદાન સંકલન - પરમ જોલાપરા

પ્રજાકલ્યાણ અને પરોપકારની અમર મૂર્તિ: મોરબી રાજમાતા સાહેબ મહારાણી વિજયકુવરબા સાહેબનું અજોડ યોગદાન

સંકલન - પરમ જોલાપરા

મોરબી રજવાડાના ઇતિહાસમાં મહારાજાઓની વિરલ શૌર્યગાથાની સાથે-સાથે રાજમાતાઓની વાત્સલ્યમય પ્રજાભાવના અને લોકસેવા પણ સદાય અમર રહી છે. પોતાના પૂરક ધર્મ અને પ્રજાકલ્યાણની પરંપરાને આગળ ધપાવતા રાજમાતા સાહેબ મહારાણી વિજયકુવરબા સાહેબ મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીના ધર્મપત્ની અને મહારાજા મયૂરધ્વજસિંહજીના માતુશ્રી હતા. પોતાના સ્વર્ગસ્થ પતિ મહારાજા મહેન્દ્રસિંહજી અને પુત્ર મહારાજા મયૂરધ્વજસિંહજીના પ્રજાહિતના સ્વપ્નો તેમજ કલ્યાણકારી સંકલ્પોને જીવંત રાખવામાં રાજમાતા સાહેબ મહારાણી વિજયકુવરબા સાહેબનું યોગદાન અદ્ભુત, અવિસ્મરણીય અને યુગો સુધી યાદ રહે તેવું રહ્યું છે.

જ્યારે મહારાજા મહેન્દ્રસિંહજીનું અકાળ અવસાન થયું, ત્યારે તેમના પુત્ર મયૂરધ્વજસિંહજી અને ચાર પુત્રીઓ અત્યંત નાની વયના હતા. એવા અત્યંત કપરા અને કસોટીભર્યા સમયે રાજમાતા સાહેબે અદભુત ધૈર્ય દાખવીને મોરબીની પ્રજાની છત્રછાયા બનવાનું સ્વીકાર્યું. તેમણે પોતાની સામે આવેલા તમામ રાષ્ટ્રીય તેમજ સામાજિક પડકારોને હિંમતપૂર્વક પાર કર્યા અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકો માટે રાહત કાર્યોની સરવાણી વહાવી દીધી. પોતાના પરમપ્રિય પુત્ર મહારાજા મયૂરધ્વજસિંહજીની અમર સ્મૃતિમાં તેમણે મોરબીમાં ભવ્ય 'મયૂર હોસ્પિટલ' ની સ્થાપના કરી હતી. મહારાજા મયૂરધ્વજસિંહજીને ૧૭ જાન્યુઆરી ૧૯૫૭ ના રોજ સત્તાવાર મહારાજા તરીકેનો દરજ્જો મળ્યો હતો અને ૨૨ ઓગસ્ટ ૧૯૭૮ ના રોજ ઇંગ્લેન્ડ ખાતે તેમનો દેહવિલય થયો હતો. રાજમાતા સાહેબ મોરબીની સદાચાર, સ્વચ્છતા, પ્રાચીન શિલ્પ સ્મારકોની જાળવણી અને સાંસ્કૃતિક-ધાર્મિક જાગૃતિ માટે અવિરતપણે મોરબીની મુલાકાતો લેતા રહ્યા હતા.

રાજમાતા સાહેબનું દાનવીર હૃદય શિક્ષણ, રમતગમત અને સામાજિક કલ્યાણ માટે સદાય ખુલ્લું રહેતું. મોરબીમાં જ્યારે ઉચ્ચ શિક્ષણનો પાયો નંખાઈ રહ્યો હતો, ત્યારે તેમણે પોતાના પતિના નામે 'મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ' ના નિર્માણ માટે તત્કાલીન સમયમાં રૂ. ૪ લાખનું જંગી દાન અર્પણ કર્યું હતું. આ ઉપરાંત મોરબી સ્ટેટ દ્વારા શરૂ કરાયેલી પ્રખ્યાત 'મહેન્દ્રસિંહજી ક્રિકેટ ટુર્નામેન્ટ' ને તેઓ સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. રાજપૂત સમાજના ભવન 'મયૂર સ્મૃતિ' ના નિર્માણ અર્થે તેમણે રૂ. ૪.૫૦ લાખ અને ખાસ ઇંગ્લેન્ડ (U.K.) થી વધુ રૂ. ૨ લાખનું દાન મોકલ્યું હતું. મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ માટે રૂ. ૧,૫૦,૦૦૦ નું દાન આપીને ત્યાં મહારાજા સાહેબની પ્રતિમા સ્થાપિત કરાવી હતી તેમજ ૧૯૭૯ ના વર્ષમાં ૧૧ જરૂરિયાતમંદ યુગલોના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન પણ તેમણે કર્યું હતું.

જ્યારે-જ્યારે મોરબી પર કુદરતી આફતોના પહાડ તૂટી પડ્યા, ત્યારે રાજમાતા સાહેબ પોતાની તમામ શક્તિઓ સાથે પ્રજાની સેવામાં ખડેપગે રહ્યા છે. ઈ.સ. ૧૯૭૯ ની ભયાનક મચ્છુ જળહોનારતમાં જ્યારે આખું મોરબી તારાજ થઈ ગયું, ત્યારે તેમણે પીડિતોના પુનર્વસન માટે ખાસ 'મયૂર ફાઉન્ડેશન' ની રચના કરી હતી, જેમાં તેમની પુત્રીઓ રાજકુમારી રુકમણીદેવી (મીરાબાપા), દ્રૌપદીદેવી (માયાબાપા), ઉમાદેવી અને હર્ષાદદેવી (પૂર્ણાબાપા) પણ ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ભયાનક ભૂકંપ પછી તેમણે ભચાઉ ક્ષેત્રમાં હેડગેવાર હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગથી ૭,૦૦૦ ધાબળા, ૨,૦૦૦ ટેન્ટ, ૫,૦૦૦ બૂટ-ચંપલ અને અનાજ-દવાઓનું વિતરણ કરાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ ભૂકંપગ્રસ્તોના કાયમી ઘર નિર્માણ માટે તેમણે રવાપર નદી કાંઠે ૧૦૮ ઘરો, તારાપુરમાં ૪૦ ઘરો, મયૂરપુરી કેરળ ખાતે ૨૧૫ ઘરો અને લક્ષ્મીનગરમાં ૪૮ ઘરોનું નિર્માણ કરાવીને અનેક પરિવારોને નવજીવન બક્ષ્યું હતું.

આરોગ્ય ક્ષેત્રે 'મા આનંદમયી ટ્રસ્ટ' અને 'મયૂર ડિસ્પેન્સરી' દ્વારા તેમણે સેવાનો મોટો યજ્ઞ ચલાવ્યો હતો. રાજર્ષિ મુનિશ્રીના હસ્તે ઉદ્ઘાટિત આ હોસ્પિટલમાં અત્યંત સામાન્ય દરોથી ઓપરેશનો અને મફત દવાઓ આપવામાં આવતી હતી. ભૂકંપથી પ્રભાવિત ૨,૦૦૦ થી વધુ દર્દીઓને સંપૂર્ણ મફત એક્સ-રે સુવિધા આપી તેમજ મોટા ખીજડીયા ગામે રસીકરણ અને બ્લડ ગ્રુપ કેમ્પ યોજ્યા હતા. ૧૫ બેડના મેટરનિટી હોમમાં M.S. સર્જન દ્વારા જટિલ ઓપરેશનો કરાતા, જેનો ટોકન દર સામાન્ય દર્દીઓ માટે માત્ર રૂ. ૧૦ અને મહિલાઓ માટે માત્ર રૂ. ૫ નો રાખવામાં આવ્યો હતો. ૧૯૯૬ થી ૨૦૦૬ ના દસ વર્ષના સમયગાળા દરમિયાન ૪,૫૦,૦૦૦ થી વધુ દર્દીઓએ અહીંથી નિઃશુલ્ક સારવાર અને દવાઓ મેળવી હતી.

રાજમાતા સાહેબે મોરબીના રાજવી પરિવારના ભવ્ય સ્મરણોને પણ ચિરંજીવ બનાવ્યા છે. મચ્છુ નદીના કિનારે ધોળેશ્વર નજીક આવેલ રાજવી પરિવારના સમાધિ સ્થળનું તેમણે ૧૯૯૭ થી ૧૯૯૯ દરમિયાન રૂ. ૩૫ લાખના ખર્ચે ધ્રાંગધ્રાના વિશેષ પથ્થરો અને શિલ્પકાર નવીનચંદ્ર સોમપુરા મારફતે ૬૪ સ્તંભો, ૪ શિખરો, કળશ અને છત્રથી સજ્જ ભવ્ય સ્થાપત્ય કંડારાવ્યું હતું, જ્યાં ૨૨ નવેમ્બર ૨૦૦૨ થી નિત્ય પૂજા-અર્ચના થાય છે. મોરબીની જનતાની પરમ લાગણીને માન આપીને તેમણે મચ્છુ નદી પર બનેલા નવનિર્મિત 'મયૂર પુલ' પર પોતાના પુત્ર મહારાજા મયૂરધ્વજસિંહજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. રૂ. ૭૦૧.૧૫ લાખના ખર્ચે બનેલા ૫૩૦.૭૧ મીટર લાંબા આ મયૂર પુલનું ઉદ્ઘાટન ૫ નવેમ્બર ૨૦૦૪ ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંપન્ન થયું હતું.

આજે 17 ઓક્ટોબર 2026 ના રોજ રાજમાતા સાહેબ મહારાણી વિજયકુવરબા સાહેબના દેહવિલયથી મોરબીના ઇતિહાસમાંથી એક પરમ વાત્સલ્યમય, દાનવીર અને કરુણામય છત્રછાયા અદ્રશ્ય થઈ છે. તેમણે આજીવન મોરબી સ્ટેટ, રાજપૂત સમાજ અને સમગ્ર માનવજાતની જે નિઃસ્વાર્થ સેવા કરી છે, તેને મોરબીની ધરા ક્યારેય વિસરી શકશે નહીં.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને પોતાના શ્રીચરણોમાં પરમ શાંતિ અર્પે અને રાજવી પરિવાર તેમજ મોરબીની પ્રજાને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાંજલિ.

સંકલન - પરમ જોલાપરા