મોરબી:મોરબીના જાણીતા યુવા કવિ નર્મદાનંદન ‘જલરૂપ’ દ્વારા રચિત લોકપ્રિય બાળગીત ‘મેના રાણી’ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ‘બાલસૃષ્ટિ’ સામયિકના જૂન ૨૦૨૬ના અંકમાં પ્રકાશિત થયું હતું. આ સુંદર બાળગીતને બાળસાહિત્યકાર અંશ ખીમતવી દ્વારા આકર્ષક કાર્ટૂન એનિમેશન ગીત તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું તાજેતરમાં એક વિશેષ અને યાદગાર કાર્યક્રમમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
કવિ જલરૂપે વર્ષ ૧૯૮૯ થી ૧૯૯૨ દરમિયાન વજેપર ગામની ‘શ્રી કલ્યાણ પ્રાથમિક શાળા’ ખાતે પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. જે શાળામાં તેઓ પોતે અક્ષરજ્ઞાન શીખ્યા હતા, તે જ શાળાના પટાંગણમાં ભૂલકાંઓના હસ્તે આ એનિમેશન ગીતને ઉત્સાહભેર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ગીતના વિમોચન પ્રસંગે શાળાના આચાર્ય રજનીકાંત ચીકાણી તેમજ સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ આ એનિમેટેડ ગીત નિહાળીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને હર્ષભેર વધાવી લીધું હતું. આ બાળગીત હવે યુટ્યુબ પર ‘kavi jalrup’ની ચેનલ પર પણ નિહાળી શકાશે.