44 વર્ષ જૂની ગરબીમાં પ્રથમ વખત અનોખી નૃત્યની પ્રસ્તુતિ, હજારોની મેદની ઉમટી
મોરબી : મોરબી જિલ્લાની આગવી ઓળખ સમાન શક્તિ ચોક ગરબીમાં આ વર્ષે કેરળનું પ્રસિદ્ધ થેયમ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘કાંતારા’માં જોવા મળતા દેવશક્તિના નૃત્યથી પ્રેરિત આ રજૂઆતને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાળાઓની અનોખી રજૂઆત અને માતાજીની આરાધનાના માહોલે ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
મોરબીના ગેસ્ટ હાઉસ રોડના ખૂણે છેલ્લા 44 વર્ષથી શક્તિ ચોક ગરબીનું આયોજન થાય છે. અહીં નવરાત્રી દરમિયાન બાળાઓ દ્વારા અંગારા રાસ, ટિપ્પણી રાસ સહિતના વિવિધ પરંપરાગત રાસ રજૂ કરવામાં આવે છે. પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવાની સાથે દર વર્ષે નવીન રજૂઆતોને કારણે આ ગરબી લોકોમાં વિશેષ લોકપ્રિય બની છે.
ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, બાળાઓને નવા રાસ તૈયાર કરાવવા માટે દોઢથી બે મહિના સુધી મહેનત અને પ્રેક્ટિસ કરવામાં આવે છે. પ્રાચીન ગરબાની સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતે રજૂઆતમાં નવીનતા ઉમેરવામાં આવે છે. ગત વર્ષે એક બાળાએ 50 ફૂટ ઊંચો અને 50 ફૂટ પહોળો ચણિયો પહેરીને રાસ રજૂ કર્યો હતો, જ્યારે આ વર્ષે થેયમ નૃત્યની વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. આધુનિક અર્વાચીન રાસોત્સવના યુગમાં પણ શક્તિ ચોક ગરબી દ્વારા પરંપરાગત ગરબા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે થેયમ નૃત્યની રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા અને આ અનોખો રાસ ગરબીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.