Monday - Oct 19, 2026

મોરબીના રવાપરમાં જુગારની બાજી પર પોલીસે મારી બાજી, રૂ.7.85 લાખ સાથે સાત ઝડપાયા

મોરબીના રવાપરમાં જુગારની બાજી પર પોલીસે મારી બાજી, રૂ.7.85 લાખ સાથે સાત ઝડપાયા

સરદાર પટેલ સોસાયટીના રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી

મોરબી : મોરબીના રવાપર ગામે આવેલી સરદાર પટેલ સોસાયટીના એક રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મકાનમાલિક સહિત સાત શખ્સો જુગાર રમતા મળી આવતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. સ્થળ પરથી રૂ.7.85 લાખની રોકડ રકમ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં રહેતા જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રાના રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી મકાનમાલિક જયદીપભાઈ ઉર્ફે લાલા ગોવિંદભાઈ બકુત્રા, સંદીપભાઈ જગદીશભાઈ શેરસીયા, આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર, ભાવિનભાઈ ગીરીશભાઈ કારીયા, રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા, કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા અને ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયાને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ.7.85 લાખની રોકડ રકમ કબજે કરી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી સાતેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.